Rajkot Arjun Jewellers Income Tax Raid: રાજકોટના સુવર્ણ બજારમાં આજે સવારથી જ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. શહેરના જાણીતા એવા મવડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ‘અર્જુન જ્વેલર્સ’ (Arjun Jewellers) પર ઇન્કમ ટેક્સ (IT) વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગત રાતથી શરૂ થયેલી આ મેરેથોન તપાસને પગલે સ્થાનિક વેપારી આલમ અને ઝવેરી બજારમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
Arjun Jewellers: સતત 12 કલાકથી તપાસનો ધમધમાટ
પ્રાપ્ત વિગતો અનુસાર, આઇટી વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ છેલ્લા 12 કલાકથી અર્જુન જ્વેલર્સના શોરૂમ પર ડેરાતંબુ તાણીને બેઠી છે. અધિકારીઓની અલગ-અલગ ટીમો દ્વારા શોરૂમના તમામ નાના-મોટા નાણાકીય વ્યવહારોની અત્યંત ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. બહારની કોઈ વ્યક્તિને અંદર પ્રવેશવા કે અંદરના સ્ટાફને બહાર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

મોટી કરચોરી પકડાવાની આશંકા
સૂત્રોના જણાવ્યા મુજબ, ઇન્કમ ટેક્સની ટીમ અર્જુન જ્વેલર્સની આવક અને જાવક (Income and Expenditure) ના તમામ કાચા-પાકા ચોપડાઓ અને હિસાબો ચકાસી રહી છે. આ મેગા સર્વે દરમિયાન બહોળા પ્રમાણમાં ટેક્સ ચોરી (Tax Evasion) ની આશંકા સેવાઈ રહી છે. તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી અનેક મહત્વના દસ્તાવેજો અને સીસીટીવી તેમજ કોમ્પ્યુટરનો ડિજિટલ ડેટા પણ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
કરોડોના બેનામી વ્યવહારો ખૂલવાની શક્યતા
મવડી મેઈન રોડ પર સ્થિત આ જાણીતા જ્વેલર પર લાંબા સમયથી આઇટી વિભાગની બાજનજર હતી. ચોક્કસ બાતમી અને ડેટા એનાલિસિસના આધારે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે. હજુ પણ સર્વેની કામગીરી ધમધમી રહી છે, ત્યારે આ તપાસ પૂરી થયા બાદ કેટલા કરોડના બેનામી વ્યવહારો (Unaccounted Transactions) નો પર્દાફાશ થાય છે, તેના પર સમગ્ર શહેરના વેપારીઓની મીટ મંડાયેલી છે.
