અમદાવાદ,
રાજ્યની સૌથી મોટી મેગા સીટી અમદાવાદ અને કલાનગરી વડોદરાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વસુલવામાં આવતા ટોલટેકસમાં વધારો ઝીકવામાં આવ્યો છે. એક્સપ્રેસ હાઇવે પર પસાર થતા તમામ વાહનોના ટોલટેક્સમાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૧ એપ્રિલ એટલે કે રવિવાર મધરાતથી જ લાગુ કરવામાં આવ્યો છે.
મહાત્મા ગાઁધી એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા આ ધોરીમાર્ગ પરથી પસાર થનારા કાર, ટ્રક, બસ સહિતના વાહનો માટે મુસાફરી મોંઘી બની છે તેમજ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લોકોના પોકેટ પર અસર પડશે.
આ પહેલા કાર માટે સિંગલ ટ્રિપના અત્યાર સુધી રૂપિયા ૧૦૦ લેવામાં આવતા હતા, ત્યારે હવે આ ટોલમાં વધારો કરીને રૂપિયા ૧૦૫ કરાયો છે. જયારે રિટર્ન ફી ચૂકવનારને ૧૫૦ને બદલે ૧૫૫ ચૂકવવાના રહેશે.
મહત્વનું છે કે, આ એક્સપ્રેસ-વે પર છેલ્લા વર્ષ ૨૦૧૩માં વાહનો માટે ઉઘરાવાતા ટોલટેક્સના દરોમાં ઘટાડો કરાયો હતો. જો કે ત્યાર બાદ નવા નાણાંકીય વર્ષમાં ટોલમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ટોલટેકસમાં વધારો થયા બાદ તમારે કેટલા રૂપિયા ચુકવવા પડશે.
જુનો દર નવો દર
લાઇટ મોટર વ્હીકલ :- ૧૬૦ ૧૬૫
કાર, જીપ અને વાન :- ૧૦૦ ૧૦૫
બસ, ટ્રક :- ૩૩૫ ૩૫૦
થ્રીએક્સએલ ટ્રક :- ૩૬૫ ૩૮૦
૪થી ૬ એક્સએલ ટ્રક :- ૫૨૫ ૫૫૦
