અમદાવાદ: સૌરાષ્ટ્રના જામનગર શહેરમાં રવિવારે સાંજે રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા જુગારના અડ્ડા પર રેડ પાડીને રૂ. 4.29 લાખની રોકડ રકમ સહીત રૂ. 6,31,450/ ના મુદ્દામાલ સાથે ૨૮ જુગારીઓને ઝડપી લીધા હતા. જે અંગે સ્થાનિક પોલીસ મથકના PI જોશીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સાંજે જામનગર શહેરના પટેલવાડી વિસ્તારમાં મોટાપાયે ચાલી રહેલા જુગારના અખાડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શ્રાવણીયો જુગાર રમી રહેલા 28 શકુનીઓને રૂ. 4.29 લાખની રોકડ રકમ સહીત કુલ રૂ. 6,31,450/ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જેના કારણે સ્થાનિક પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા ને મળેલી સીધી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના દસેક સભ્યોની ટીમે જામનગર શહેરના પટેલવાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં નથુ બેલા નામના સંચાલક દ્વારા ચલાવાતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામા રાખી દરોડો પાડ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસ અધિકારીઓના પરસેવા છુટી જવા પામ્યા હતા,
આ રેઇડ સ્થાનિક પોલીસ તંત્રની જાણ બહાર થઇ હતી. જેના પગલે સ્થાનિક પોલીસ મથકના પી.આઈ.ની બેદરકારી હોવાનું ખૂલ્યું હતું. જેના પગલે તાત્કાલિક અસરથી જામનગર સીટી ‘બી ડિવિઝન’ પોલીસ મથકના પી.આઈ.પર સસ્પેન્સના પગલા લેવામાં આવ્યા હતા. જેના પગલે જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની આ રેઇડ બાદ જે બાબત અપેક્ષિત હતી, તે રીતે જામનગર સીટી ‘બી ડિવિઝન’ પોલીસ મથકના પી.આઈ. કે.પી.જોશીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેના લીધે જામનગર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
