Surat News: સુરત શહેરમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષના ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ( Student Suicide) હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટનાએ ચિંતા ઉભી કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારજનો દ્વારા બાળકને હોમવર્ક પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના રૂમમાં જઈ પંખા સાથે ગળાફાંસો ખાઈ આપઘાત ( Student Suicide) કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Student Suicide: મોબાઇલની લત પણ તપાસનો મુદ્દો
પરિવારજનો અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે બાળકને મોબાઇલનો અતિશય શોખ હતો અને મોબાઇલના ઉપયોગને લઈને તે ઘણીવાર જિદ્દ કરતો હતો. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.પોલીસનું કહેવું છે કે માત્ર પ્રાથમિક માહિતીના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી અને સમગ્ર ઘટનાની તપાસ બાદ જ વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
Student Suicide: અકસ્માતે મોતનો ગુનો નોંધાયો
ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.તપાસ દરમિયાન પરિવારજનોના નિવેદનો, બાળકની દૈનિક પ્રવૃત્તિ, મોબાઇલના ઉપયોગ સહિત અન્ય તમામ સંજોગોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના
આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતાજનક છે. બાળકો પર અભ્યાસનું દબાણ, ડિજિટલ ઉપકરણોનો વધતો ઉપયોગ અને ભાવનાત્મક સ્થિતિ જેવા મુદ્દાઓ અંગે માતા-પિતા અને શિક્ષકોએ સતત સંવાદ રાખવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરે છે.જો કોઈ બાળકના વર્તનમાં અચાનક ફેરફાર, એકલતા, ચીડિયાપણું અથવા નિરાશા જેવા લક્ષણો જોવા મળે તો સમયસર તેની સાથે વાતચીત કરવી અને જરૂર પડે તો નિષ્ણાતની મદદ લેવી જરૂરી બની શકે છે.
આ પણ વાંચો:સુરતમાં કરૂણાંતિકા: 50 લાખના દેવામાં ડૂબેલા દત્તક પુત્રએ માતાની હત્યા બાદ કર્યો આપઘાત
આ પણ વાંચો:સુરતની હોટેલમાં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત
આ પણ વાંચો:સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત
