Surat News : સુરતના સુભાષનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઉદ્યોગપતિની પત્નીએ લગ્નના માત્ર બે મહિનામાં જ આપઘાત(Suicide) કરી લીધો છે. મળતી માહિતી મુજબ, ખ્યાતિ અભિષેક કેજરીવાલે 21 એપ્રિલના રોજ પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ખ્યાતિ કેજરીવાલના પતિ અભિષેક કેજરીવાલ ‘હાર્મની યાર્ન્સ’ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે, જ્યારે તેમનો પરિવાર આ કંપનીનો માલિક છે.
કારણ અકબંધ, સુસાઇડ નોટ મળી નથી
પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેના કારણે આપઘાત(Suicide) પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. પ્રાથમિક માહિતી મુજબ પરિવાર આર્થિક રીતે સક્ષમ અને પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે જોડાયેલો છે.
પરિવારએ રૂમ ખોલતાં સામે આવ્યું સત્ય

પરિવારના જણાવ્યા મુજબ, ખ્યાતિ જમ્યા બાદ આરામ કરવા માટે પોતાના રૂમમાં ગઈ હતી. સાંજ સુધી બહાર ન આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી અને પતિને જાણ કરી. બાદમાં બીજી ચાવી વડે દરવાજો ખોલતાં તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
હોસ્પિટલમાં મૃત જાહેર
તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હાર્મની યાર્ન્સનો વૈશ્વિક વ્યવસાય
કેજરીવાલ પરિવારની ‘હાર્મની યાર્ન્સ’ કંપની 1992માં સ્થાપિત થઈ હતી, જે ડાયડ, ટેક્સ્ચરાઇઝ્ડ અને એર ટેક્સ યાર્ન્સનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનો યુરોપ, એશિયા અને આફ્રિકા જેવા અનેક દેશોમાં નિકાસ થાય છે.
અગાઉ પણ આવી ઘટના
સુરતના અલથાણ વિસ્તારમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એક પાટીદાર પરિણીતાએ પોતાના પુત્રને ઊંચી ઈમારત પરથી ફેંકી બાદમાં આત્મહત્યા કરી હતી, જે ઘટનાએ શહેરને ઝંઝોળી નાખ્યું હતું.
