Surat Dumper Accident Althan: સુરતના રસ્તાઓ પર બેફામ દોડતા ડમ્પરો વધુ એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. અલથાણ વિસ્તારમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં L&T કંપનીમાં ડિઝાઇન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય જયેશ બોરસેનું તોતિંગ ડમ્પરના વ્હીલ નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને કોઈનું પણ કાળજું કંપાઈ ઉઠે તેવા છે.
Surat : CCTVમાં કેદ થઈ કાળજું કંપાવતી ઘટના
અલથાણ શ્યામ મંદિર પાસે સર્જાયેલા આ અકસ્માતના ફૂટેજમાં જોઈ શકાય છે કે જયેશ પોતાની એક્ટિવા પર શાંતિથી લેન પર જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો હતો. જયેશ તેની બાઈક સાથે ડમ્પરના વચ્ચેના ટાયરમાં ફસાઈ ગયો હતો અને ડમ્પર તેને થોડે દૂર સુધી ઘસડી ગયું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં ડમ્પરનું ટાયર માથા પરથી ફરી વળતા જયેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
‘હજુ તો શરણાઈઓ વાગવાની બાકી હતી’
જયેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લવાતા ત્યાંના દ્રશ્યો અત્યંત આઘાતજનક હતા. જયેશના લગ્નની તૈયારીઓ વિચારી રહેલી માતાનું હૈયાફાટ રુદન જોઈ હોસ્પિટલ સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ હતી. માતા વારંવાર એક જ આલાપ કરી રહી હતી કે, “બેટા, તારા તો લગન કરાવાના હતા, આ શું થઈ ગયું!” જે ઘરમાં લગ્નના ગીતો ગાવાના હતા ત્યાં આજે મરણના મરશિયા ગવાઈ રહ્યા છે.

પરિવારનો એકનો એક આધાર છીનવાયો
મૃતક જયેશ તેના પરિવારમાં આર્થિક રીતે મોટો આધાર હતો. તેના પિતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. સંસ્કારી અને હોશિયાર પુત્રના અકાળે અવસાનથી ગોડાદરાના હરિઓમનગર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ડમ્પર ચાલકની કરી ધરપકડ
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલક રામ નરેશ યાદવને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અલથાણ પોલીસ સ્ટેશનના PI જીતેન્દ્ર ઝામરે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડમ્પર ખજોદથી કપચી ભરીને જઈ રહ્યું હતું ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
બેફામ ડમ્પરો પર લગામ ક્યારે?
જયેશના મામા મનોજભાઈ આહિરેએ ભારે હૈયે તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરમાં બેફામ દોડતા ડમ્પરો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે. આ ડમ્પરો પર કડક લગામ લાવવી જરૂરી છે જેથી બીજા કોઈનો ‘જયેશ’ છીનવાય નહીં.
આ પણ વાંચો: ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો: અમદાવાદના નવા મેયરની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
આ પણ વાંચો: મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યામાં 6 ઝડપાયા
