gujarat weather news/ ગુજરાતના 111 તાલુકામાં મેઘમહેર; દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ, નવસારીમાં 6 ઇંચ વરસાદથી પાણી પાણી

Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય. નવસારીમાં 6 ઇંચ સહિત 111 તાલુકામાં વરસાદ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી.

Top Stories Gujarat
Gujarat Monsoon Update

 Gujarat Monsoon Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં તેની વધુ અસર જોવા મળી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ સુરત, ડાંગ, તાપી અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. નવસારી જિલ્લાના જલાલપોરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે.

તેમજ નવસારીમાં 5 ઇંચ, પારડીમાં 4 ઇંચ, પલસાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવા અને ચીખલીમાં 2.5-2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બારડોલીમાં 1.5 ઇંચ અને અંબિકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય 102 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.