Anand rape and murder case ends: આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ ફાયરિંગમાં મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ LCBની ટીમ પર જીવલેણ હુમલો કરતા આત્મરક્ષણમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, બોરસદ રૂરલ પોલીસે આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ તપાસ માટે તેને LCBની ટીમ આણંદ લઈ જઈ રહી હતી. દરમિયાન રસ્તામાં આરોપીએ ઉલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું.
વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુથી પોલીસ કર્મચારીઓ પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિપાલસિંહ અને રાજવીરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, PSI રાણા દ્વારા આરોપીને વારંવાર ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આરોપી હુમલો કરવાનું ચાલુ રાખતા પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં બે ગોળી વાગતા આરોપી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઘાયલ હાલતમાં સુરેશ પરમારને કરમસદની શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ તેનો મૃતદેહ હોસ્પિટલના PM રૂમમાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વાસદ રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ
ઉલ્લેખનીય છે કે, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત રાત્રે લગભગ 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની બાળકી ગુમ થઈ હતી. વહેલી સવારે રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાસ્થળેથી બાળકીના કપડાં મળી આવતા પોલીસને બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરીને પુરાવા નષ્ટ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
CCTVના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસની અનેક ટીમો તપાસમાં જોડાઈ હતી.
તપાસ દરમિયાન રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ સુરેશ પરમારને ઝડપી પાડ્યો હતો.
હાલ પોલીસ દ્વારા એન્કાઉન્ટર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સત્તાવાર પ્રેસ બ્રીફિંગ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે
આ પણ વાંચો: માસૂમ બાળકી જોડે દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સુરત કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઈ-રિક્ષા ચાલકની ધરપકડ
આ પણ વાંચો: ઝઘડીયા દુષ્કર્મ કેસઃ ગુજરાતની નિર્ભયાનું નિધન, આરોપી પર હત્યા અને દુષ્કર્મની કલમો
