બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ના ત્રીજા લગ્નને લઈને વિવાદ સર્જાયો છે. ‘લવ જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અંગેની એક શંકાસ્પદ ઓડિયો ક્લિપ અને પત્ર વાયરલ થયા બાદ મુંબઈ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને બાંદ્રા પશ્ચિમના પાલી હિલ સ્થિત આમિર ખાનના બંગલા બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે. જોકે, આ ઘટના સમયે આમિર ખાન દેશ બહાર હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયા વાયરલ ક્લિપની સત્યતાની તપાસ ચાલુ
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, વાયરલ થઈ રહેલા પત્ર અને ઓડિયો નોટની અધિકૃતતા ચકાસવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતી થયેલી આ સામગ્રીની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. કથિત પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘લવ જેહાદ’ જેવા મુદ્દાઓને પ્રોત્સાહન આપનારાઓ સામે સનાતન ધર્મ અને દેશહિત માટે સખત કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર અને પોલીસનું વલણ
મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિ અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આમિર ખાનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, અભિનેતા અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
બોલિવૂડ હસ્તીઓ પર સતત વધતું જોખમ
નોંધનીય છે કે આ પહેલા પણ બોલિવૂડની અગ્રણી હસ્તીઓને નિશાન બનાવવામાં આવી છે. થોડા સમય પહેલા જ પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર થયેલા ગોળીબાર બાદ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હતી. આ સિવાય બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર થયેલા ફાઇરિંગ બાદથી ત્યાં પણ કાયમી ધોરણે સુરક્ષા કાફલો તૈનાત કરી દેવાયો છે.
આ પણ વાંચો:આલિયા અને શર્વરીની એક્શન ફિલ્મ ‘આલ્ફા’નું બોક્સ ઓફિસ પર ધબડકો, કરોડોનું નુકસાન
આ પણ વાંચો:સોનમ કપૂરના પતિ આનંદ આહુજાની કંપનીમાં હોબાળો, બોનસ ઘટાડા સામે કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન
આ પણ વાંચો:ત્રીજા લગ્ન બાદ આમિર ખાન વિવાદમાં, લવ જેહાદના આરોપો વચ્ચે ફતવા પર પણ ચર્ચા
