Ahmedabad News/ અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી, શરણદીપ સોસાયટીમાં ઘૂસતા લોકોમાં ભય

Leopard Spotted In Ahmedabad: અમદાવાદના ઘુમા વિસ્તારમાં શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસતા લોકોમાં ભય ફેલાયો. વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ દ્વારા દીપડાને પકડવાની કામગીરી શરૂ.

Top Stories Gujarat
Leopard Spotted In Ahmedabad:

Leopard Spotted In Ahmedabad: સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદ શહેરની નજીક દીપડો દેખાતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે દીપડો સોસાયટી વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. દીપડાને જોઈ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમને કરવામાં આવી હતી.

અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ઘુમા ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી મળી છે. સ્થાનિકોના જણાવ્યા બાદ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. હાલ બંને વિભાગની ટીમો દ્વારા ઘુમા અને આસપાસના વિસ્તારોમાં દીપડાને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વન વિભાગની ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને તેને સુરક્ષિત રીતે પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.