Gandhinagar News: ગાંધીનગરમાં રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU) ને બે દિવસમાં ફરીથી ધમકી મળી છે. આ ધમકીમાં કહેવામાં આવ્યું છે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. કેમ્પસ ખાલી કરો નહીં તો પરિણામ ભોગવવા પડશે. આના પગલે બે દિવસમાં બીજી વખત પોલીસમાં દોડધામ મચી છે. આ પહેલા રવિવારે ધમકીમળી ત્યારે આખી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી બોમ્બ મળ્યો નથી. તેના પગલે પોલીસ તપાસ બંધ કરે તે પહેલા બીજો મેઈલ આવ્યો છે. તેમા જણાવાયું હતું કે આજે રાત સુધીમાં કેમ્પસ ખાલી નહીં કરાય તો બોમ્બમારો કરવામાં આવશે એમ તેમા જણાવાયું હતું.
આ સંદર્ભે રજીસ્ટ્રાર ડો.જગદીશચંદ્ર ગંગાધરૈયા વતી ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સોમવારે ફરીથી Anonymousemail.me તરફથી GNLU ને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે ગઈકાલે રાત્રે (રવિવારે) તમને મળીને આનંદ થયો. જો તમારે તમારો જીવ બચાવવો હોય તો આજે રાત સુધીમાં કેમ્પસ ખાલી કરી દો. નહીંતર બોમ્બની એ થેલી જે તમને ગઈકાલે મળી ન હતી તે તમારા સુધી પહોંચી જશે. મારા માણસો હેન્ડ ગ્રેનેડ અને સ્નાઈપર ગન સાથે કેમ્પસની બહાર ગુપ્ત જગ્યાએ છે. માત્ર એક ઇશારો તમને મારી નાખશે. તમારા અધિકારીઓને સૂચિત કરો. અમે કેમ્પસની બહાર પણ વિદ્યાર્થીઓનું સ્થાન જાણીએ છીએ.
જીએનએલયુ કેમ્પસ અને નજીકની પીડીપીયુ યુનિવર્સિટીમાં બોમ્બ મુકવામાં આવ્યા છે. આ માહિતી કેટલાક વિદ્યાર્થીઓના ઈમેલ પર મોકલવામાં આવી છે. અધિકારીઓ સહિત તમામ વિદ્યાર્થીઓએ એક દિવસમાં કેમ્પસ ખાલી કરી દેવું જોઈએ નહીંતર આવતીકાલે રાત્રે પરિણામ માટે તૈયાર રહો. જો તમારી તરફથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં આવશે તો મારા લોકો દ્વારા તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સત્તાવાળાઓનું ધ્યાન આકર્ષિત કરી શકે તેવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થશો નહીં. ચાલો હું તેને ફરીથી કહું, અમારી નજર તમારા પર છે. અમે તમને બોમ્બનું લોકેશન ત્યારે જ જણાવીશું જ્યારે સમગ્ર કેમ્પસ ખાલી કરાવવામાં આવશે, એમ મેમ્બર ઓફ તાલિબાને જણાવ્યું હતું.
આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું
રવિવારે, રજિસ્ટ્રાર અને લગભગ 400 વિદ્યાર્થીઓને ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જગદીશચંદ્ર ગંગાધરૈયાએ જાણ કરતાં જ એસપી રવિ તેજા વસમસેટ્ટી ઈન્ફોસિટી પોલીસ, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડોગ અને બોમ્બ સ્કવોડની ટીમ સાથે યુનિવર્સિટી પહોંચી ગયા હતા. બાદમાં, પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સમગ્ર યુનિવર્સિટીના દરેક વિભાગમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, સાથે સાથે ગર્લ્સ-બોયઝ હોસ્ટેલમાં ડોગ-બોમ્બ સ્કવોડની ટીમ પણ હાજર હતી. દરમિયાન, સાવચેતીના ભાગરૂપે, તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ગાંધીનગર પોલીસે રાત્રિથી જ સાયબર ક્રાઈમ પોલીસને સર્ચ ઓપરેશન તેમજ ટેકનિકલ તપાસ માટે સક્રિય કરી હતી.
સાબરકાંઠાથી બોમ્બ સ્કવોડ આવી
સાબરકાંઠાથી બોમ્બ સ્કવોડની અન્ય ટીમને પણ બોલાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ સવાર સુધી ચાલેલી તપાસમાં ધમકી જેવી શંકાસ્પદ બાબત બહાર આવી ન હતી. આવી સ્થિતિમાં ગઈકાલે સોમવારે ફરીથી યુનિવર્સિટીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. જેના કારણે રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મુજબ રજીસ્ટ્રાર, વીસી અને પીડીપીયુ કોલેજના ઈમેલ પર [email protected] નામનો ઈમેલ આવ્યો હતો. આ બાબતે તમામ વિદ્યાર્થીઓ, વેલ્ફેર કમિટી, હોસ્ટેલ વોર્ડન, એકેડેમીના વડા સાથે પૂછપરછ કર્યા બાદ કોઈએ પણ આવો મેઈલ ન મોકલતા ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગરના મોટા ચિલોડા પાસે દારૂના જથ્થા સાથે 13.67 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: ગાંધીનગરના દહેગામમાં રાવણના 40 ફૂટ ઊંચા પૂતળાને વરસાદથી બચાવવા રેઇનકોટ પહેરાવાયો
આ પણ વાંચો: ગાંધીનગરના રૂપાલમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ નીકળી માતાજીની પલ્લી
