NCPના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને હત્યા કેસમાં મોટી રાહત મળી છે. ભાજપ કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે. ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
નોધનીય છે કે પોરબંદરમાં રાણાવાવ-કુતિયાણા બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી સંતોક બેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા NCP ની ટીકીટ ઉપર વિજેતા બની રહ્યા છે. કાંધલ જાડેજા છેલ્લા બે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે, 1 માર્ચ 2005ના રોજ ભાજપના કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરાની દિન દહાડે ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંતોકબહેન અને પુત્રો સહિત 9 સામે ફરિયાદ થઈ હતી. પોરબંદર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં 10 વર્ષ અગાઉ કેસ ચાલી જતાં સંતોકબહેન અને તેમના ત્રણ પુત્રો સહિત 8નો નિર્દોષ છુટકારો થયો હતો. આ કેસમાં કાંધલ જાડેજા સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
ગોડમધર તરીકે કુખ્યાત સંતોકબહેન જાડેજાના ચાર પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર 48 વર્ષીય કાંધલ જાડેજા સામે 15 કેસ નોંધાયેલા છે. કાંધલ સામે સૌ પ્રથમ વર્ષ 1994માં કેસ નોંધાયો હતો. જેમાં કાંધલ પાસેથી પિસ્તોલ, બે રિવોલ્વર, રાયફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જેમાં ખંડણી, હુમલો, છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર આરોપ લાગેલા છે. 15 કેસો પૈકી 10 કેસ પોરબંદર જિલ્લામાં, 3 કેસ રાજકોટ અને 2 કેસ અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયેલા છે.
