લગ્ન પ્રસંગમાં જાન લઇ જવા માટે મધ્યમ, પછાત અને ગરીબ વર્ગના લોકોને હવે એસટી બસોના ભાડામાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગરીબ વર્ગના લોકો લગ્ન પ્રસંગમાં જાન લઈ જવા માટે ટ્રક, મેટાડોર જેવા વાહનોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં જાનૈયાઓની સહેજ પણ સલામતી નથી હોતી. તો ઘણીવાર વાહનોમાં ઓવરલોડને કારણે મોટા અકસ્માતની ઘટના પણ બને છે. આવી ઘટનાઓને રોકવા માટે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય લીધો છે.
રાજ્યમાં લગ્ન પ્રસંગે લોકોને ખાનગી બસના વિકલ્પ રૂપે એસ.ટી.નિગમની બસ સસ્તા ભાડામાં ઉપલબ્ધ કરાવાશે. વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં માર્ગ વાહન વ્યવહાર નિગમની નવીન મધ્યસ્થ કચેરી તેમજ નવી બસ સેવાઓનો પ્રારંભ કરાવતા આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે લગ્ન પ્રસંગ માટે 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે 1200 રૂપિયા, 40 કીલો મીટર સુધીની મુસાફરી માટે 2 હજાર રૂપિયા અને 60 કીલો મીટર સુધીની મુસાફરી માટે 3 હજાર રૂપિયાના દરે એસટી બસની સેવાઓ નાગરિકો મેળવી શકશે.. આ ભાડું આવવા અને જવા બન્ને પરનું છે.
વિજય ભાઈ રૂપાણીએ માર્ગ વાહન વ્યવહાર નિગમની સેવાંઓ ભરોસા પાત્ર વિશ્વસનીય અને આધુનિક બની રહે તે માટે કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ એસ.ટી નિગમના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને મેટ્રો લિંક બસ સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો.
બસનું ભાડુ
20 કિમિ માટે ડબલ ફેરાના 1200 રૂપિયા અને સિંગલ ફેરાના 700.
40 કિમિ માટે ડબલ ફેરાના 2 હજાર અને સિંગલ ફેરાના 1200.
60 કિમિ માટે ડબલ ફેરાના 3 હજાર અને સિંગલ ફેરાના 1500 રૂપિયા ભાડું લેવાશે.
