અમદાવાદ,
ગુજરાતમાં ‘ચા’ ફરીથી ગરમ થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ચા વેચનાર તરીકે એક ટીપ્પણી યુવા કોંગ્રેસ દ્વારા ટ્વિટર પર કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સોશ્યલ મીડિયામાં નરેન્દ્ર મોદી અને ચા વેચનાર એ અંગે પોસ્ટ કરવામાં આવતા જ તેનો ત્વરિત વિરોધ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ‘ચા’ મુદ્દે અમદાવાદ શહેરમાં કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા અમદાવાદના નારણપુરા અને વટવા સહિતના વિસ્તારમાં ‘ચા’ મુદ્દે હાથમાં ચાની કીટલી લઇને વિરોધ કરાયો હતો. રસપ્રદ બાબત એ રહી હતી કે ‘ચા’ મુદ્દે ભાજપના કાર્યકર્તાઓએ ચાની કિટલીઓ આગળ જ વિરોધ પ્રદર્શન કર્યા અને કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવનારા દિવસોમાં ‘ચા’ની ગરમાગરમ ચર્ચા થયા કરશે તેમાં કોઇ શંકા નથી.
