ગાંધીનગર,
આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર દ્વારા કમર કસવામાં આવી રહી છે, ત્યારે આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોમવારે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક યોજી હતી.
આ બેઠકના પ્રથમ તબક્કામાં ટાટા સન્સ લિમિટેડ, આર પી જી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ, હીરાનંદાની ગ્રુપ તેમજ સન ફાર્મા જેવી ટોચની કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મળીને ગુજરાતમાં તેઓના ભાવિ રોકાણો માટે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત CM રુપાણીએ તેઓને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા, નિમંત્રણ આપવા તેમજ રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે અને તેનો વ્યાપક લાભ લેવા માટે ઉદ્યોગકારોને સૂચવ્યું હતું”.
સાથે સાથે તેઓએ ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ અંગે પણ વાતચીત કરી હતી.
દેશની અગ્રણી ફાર્મા કંપની સન ફાર્માના એમડી દિલીપ સંઘવીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ફાર્મા સ્યુટિકલ ઉદ્યોગમાં રીંન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે પરામર્શ કર્યો હતો અને રીંન્યુએબલ એનર્જી ક્ષેત્રે સન ફાર્મા રોકાણ કરવા ઉત્સુક છે એમ તેઓએ કહ્યું હતું.
