અમદાવાદના ચાણક્યપુરીમાં આપઘાત કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારજનોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા પાંચ મહિનાથી આરોપી DYSP એન. પી પટેલ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને પરિવાજનોનું કહેવું છે કે તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.પીએસઆઈના કુટુંબીજનોએ મીડિયા સામે કહ્યું કે મારા પતિના મોત મામલે સાત દિવસની અંદર યોગ્ય પગલાં લેવામાં આવે.અને જો ન્યાય નહીં મળે તો આપઘાત કરી લેવાની ચીમકી તેમણે આપી છે.
આપણે જણાવી દઈએ કે મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે પોતાના પતિના આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે છેલ્લા પાંચ મહિનામાં ઘણી કચેરીઓમાં જઈને ધક્કા ખાધા છે, તેમ છતાં પણ અમને ક્યાંથી પણ સરખો જવાબ આપવામાં આવ્યો નથી
છેલ્લા પાંચ મહિનાથી ન્યાય માટે ફરી રહેલ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિપલે કહ્યું કે જો સાત દિવસની અંદર ન્યાય આપવામાં નહીં આવે તો તેઓ ગાંધીનગર ખાતે આવેલા સચિવાલયમાં આપઘાત કરશે. આ સાથે PSI દેવેન્દ્રસિંહ રાઠોડનો પરિવાર કમિશનર કચેરી ખાતે ધરણાં પણ કરશે.
કરાઈ પોલીસ એકેડમીના ડીવાયએસપી એન.પી. પટેલના ત્રાસથી આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા.
મારા પતિ તેમની માગણીઓ સામે ન ઝૂકતા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દરમિયાન પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. પોલીસે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યોને બિલકુલ અજાણ રાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે,
તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા પતિ ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા, મેં જ્યારે નાની દીકરીની કસમ ખવડાવી ત્યારે તેમણે મને બધી હકીકતો કહી હતી. પત્ની ડિમ્પલે એવો આક્ષેપ પણ મૂક્યો છે કે, ડીવાયએસપી પટેલ તેમના પતિને અપમાનિત કરી ‘તારો પગાર ખાઈ જઈશ, તારી નોકરી ખાઈ જઈશ’ એવી ધમકી પણ આપતા હતા.
જેના કારણે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનોમાં ભારે રોષ ફેલાયો છે. આટલું જ નહીં દેવેન્દ્રસિંહે કરાઈ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ચિઠ્ઠીમાં લખાણ લખ્યું હતું.
