Gujarat News: ગુજરાતમાં ચોમાસાએ ફરી ગતિ પકડી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે અનેક જિલ્લાઓમાં વરસાદ (Gujarat Rain Update) નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ સહિત 17 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી થોડા કલાકો દરમિયાન નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક આશરે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Gujarat Rain Update: 17 જિલ્લામાં યલો એલર્ટ
અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અનેક જિલ્લામાં વરસ્યા વરસાદી ઝાપટા
આજે રાજ્યના 36 તાલુકાઓમાં વરસાદ (Gujarat Rain Update) નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં અંદાજે 1 ઇંચ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં રાજુલા, હિંડોરણા, ભેરાઈ, કડિયાળી અને પીપાવાવ ધામ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. લાઠીમાં પણ વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
વલસાડ જિલ્લામાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
બે હવામાન સિસ્ટમ સક્રિય
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
રાજ્યમાં હજુ વરસાદની ઘટ
રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ (Gujarat Rain Update) નોંધાયો છે.
રાજ્યમાં સરેરાશ સામે અંદાજે 32 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
અમદાવાદમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં સૌથી વધુ વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યાં સામાન્ય વરસાદની સરખામણીએ આશરે 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
માછીમારોને સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેર: સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ, બે સક્રિય સિસ્ટમથી 57 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો:બોટાદના નાગનેશમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
