રાજ્યમાં વસતી તમામ જ્ઞાતિ અને પ્રાંતના લોકો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ સરકારે પુરૂ પાડ્યું છે. અમદાવાદમાં જૂન-2018માં મોબ લિન્ચિંગ ટોળાશાહીનો ભોગ બનેલ રાજસ્થાનની અનુસૂચિત જાતિની મૃતક મહિલાના પરિવારજનોને ગુજરાત સરકારે SC-ST એટ્રોસીટી એક્ટ હેઠળ રૂ. 8 લાખ, 25 હજારની સહાય કરીને પરપ્રાંતિય ભિક્ષુક મહિલા પ્રત્યે પણ સંવેદનશીલતા દાખવી છે.
મંત્રી ઇશ્વરભાઇ પરમારે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તા. 26 જુન-2018ના રોજ અમદાવાદના વાડજ ખાતે ટોળાનો ભોગ બનેલા મૃતક શાન્તાદેવી મદારી જ્ઞાતિના ભિક્ષુક મહિલા હતા. મદારી જ્ઞાતિનો ગુજરાતમાં OBCમાં જ્યારે રાજ્સ્થાનમાં કાલબેલીયા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે.
આ ઘટના સંદર્ભે અમારા વિભાગ દ્વારા રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પ્રાન્ત અધિકારીનો સંપર્ક કરતા ધ્યાનમાં આવ્યું કે, આ જ્ઞાતિનો રાજસ્થાનમાં અનુસૂચિત જાતિમાં સમાવેશ થાય છે. આ અંગે સુમેરપુર પ્રાંત અધિકારી દ્વારા મૃતક મહિલા SC હોવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં ગુજરાત સરકારે SC-ST એટ્રોસિટી એકટ હેઠળ કેસ નોંધીને જોગવાઇ અનુસાર આ મૃતક મહિલાના પતિને ગાંધીનગર ખાતે રૂ. 8.25 લાખનો સહાય રૂપે ચેક અર્પણ કર્યો હતો. ગુજરાત સરકારે તમામ જ્ઞાતિના અને પરપ્રાંતિય લોકો પ્રત્યે પણ સમાન ભાવ પ્રદર્શિત કર્યો છે.
