સુરત
મહિધરપુરા પોલીસ મથકની હદની વિસ્તારમાં રહેતી કિશોરી તેના પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચી ગઈ હતી. કિશોરીએ આક્ષેપ કર્યો હતો કે તેણીને ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે લાવવા લઇ જવાનું કામ કરતા રીક્ષા ચાલકે તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. જેથી કિશોરી તેણીની માતા સાથે મહિધરપુરા પોલીસ મથકમાં પહોંચી હતી. મહિધરપુરા પોલીસ છેલ્લા ત્રણ દિવસથી ફરિયાદ ન લેતા આખરે કિશોરી અને તેનો પરિવાર આજે સુરત પોલીસ કમિશ્નર પાસે પહોંચી ગયો હતો.
બનાવની વિગત મુજબ બેગમપુરા વિસ્તારમાં રહેતી કિશોરી ને સ્કૂલેથી ઘરે લાવવા તથા લઇ જવા માટે તેના પરિવારે એક રીક્ષા ભાડે કરી આપી હતી. જેથી કિશોરી રિક્ષામાં જ આવન જાવન કરતી હતી. જોકે આ દરમિયાન રીક્ષા ચાલકે તેની પર નજર બગાડી હતી.
કિશોરીએ આક્ષેપ કર્યો હતો કે રીક્ષા ચાલકે તેની પાર અલગ અલગ સમયે બેથી ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી ઘરમાં તેની માતાને આ વાત ખુલ્લીને કરી શકે તેમ ન હતી જેથી આખરે કિશોરીએ તેની માતાને અવાર નવાર મારે આ રિક્ષામાં નથી જવું કહી આક્ટરી રીતે કોશિશ કરી હતી. પરંતુ તેણીની માતા ન સમજતા આખરે કિશોરીએ માતાને ખુલ્લીને વાત કરી હતી.
વધુમાં કિશોરીએ મહિધરપુરા પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે તેના પરિવાર સાથે છેલ્લા ત્રણ દિવસથી મહિધરપુરા પોલીસ મથકે રીક્ષા ચાલક સામે ફરિયાદ લખાવવા જાય છે પરંતુ પોલીસ તેની ફરિયાદ લેતી નથી અને રોજ ધક્કા ખવરાવે છે. જેથી આખરે કિશોરી આજે તેના પરિવાર સાથે પોલીસ કમિશ્નર ને મળવા માટે કચેરી પહોંચી ગઈ હતી. જોકે આ સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં પોલીસ કમિશ્નર શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે.
