રાંદેર પાલનપુર જકાતનાકા એક્સિસ બેંકના એટીએમ પાસે ગત સોમવારે મધરાત્રે 25 વર્ષીય યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા. એક રાહદારીએ 108 એમ્બ્યુલન્સ જાણ કરી હતી. જેથી 108 એમ્બ્યુલન્સે ઘટના સ્થળે આવી ફરજ પરના તબીબે તપાસ કરતા યુવકની હત્યા થઈ હોવાની ખબર પડતા રાંદેર પોલીસને જાણ કરી હતી. આ પહેલા યુવકને લોહીલુહાણ હાલતમાં તેના સંબંધી કે પછી અન્ય કોઈ પ્રાઈવેટ વ્હીકલમાં ખાનગી હોસ્પિટલમાં લઈને જતા રહયા હતાં. ઘટનાને પગલે રાંદેર અને અડાજણ પોલીસ દોડતી થઈ ગઇ હતી.
જો કે હુમલો થયેલા યુવકને કઈ હોસ્પિટલમાં લઈ જવાયો તે અંગે પોલીસ પાસે પણ માહિતી ન હતી. લગભગ દોઢ કલાક સુધી રાંદેર પોલીસ રાંદેરની ખાનગી તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં શોધી રહી હતી છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

છેવટે રાત્રે દોઢ વાગ્યે ઈકો ગાડીમાં યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જોકે, યુવકની હત્યા જુની ગેંગવોરમાં થયો હોવાની આંશકા પોલીસને લાગી રહી હતી.
મરનાર યુવકનું નામ નીતેશ ઉર્ફ ભીખુ આદીત્ય ઠાકુર છે અને તે રાંદેર ઘનશ્યામનગરમાં રહે છે. અગાઉ તેના સગા ભાઈ આદમ અસ્ત્રાનું પણ મર્ડર થયું હતું. આ ઘટનામાં પોલીસે હત્યારા રિન્કુ નામના શખ્સની ધરપકડ કરી છે. જો કે આ હત્યા રિન્કુ નામના શખ્સે કરી હોવાની આશંકા પોલીસને પહેલેથી જ હતી.
મરનારે 5 હજારની રકમ હત્યારા પાસેથી લેવાની નીકળતી હતી. જેને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને તેમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. હાલ પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
