Gujarat Weather/ ખેડૂતો પર આફત! માવઠાએ જીરું અને કેરીના પાકને રોળી નાખ્યો, 24 કલાક હજુ પણ ભારે પવનનું એલર્ટ

ગુજરાતમાં 19 માર્ચે કમોસમી વરસાદ (Unseasonal Rain) અને તેજ પવનનો કહેર. જામનગરમાં 66 કેવીનો પોલ ધરાશાયી. રાજકોટમાં કરા સાથે વરસાદ. હવામાન વિભાગનું મોટું એલર્ટ.

Gujarat Top Stories Ahmedabad Rajkot Others
Gujarat Unseasonal Rain

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વાતાવરણમાં ભયાનક પલટો જોવા મળ્યો છે. 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાયેલા તોફાની પવનને કારણે રાજ્યભરમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. જામનગરમાં 66KVનો હાઈટેન્શન વીજપોલ ધરાશાયી થતા મોટું નુકસાન થયું છે, જ્યારે રાજકોટમાં કરા સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

જામનગર અને રાજકોટમાં તોફાની માહોલ

આજે 19 માર્ચના રોજ બપોર બાદ સૌરાષ્ટ્રમાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. જામનગરમાં ભારે પવનને કારણે 66KVનો વીજપોલ જમીનદોસ્ત થયો છે અને અનેક જગ્યાએ મોટા હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. આ ઉપરાંત, રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પર સફેદ કરાની ચાદર પથરાઈ ગઈ હતી. બીજી તરફ, કચ્છના નાના રણમાં ભયાનક વંટોળ ઉઠતા અગરિયાઓ અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Unseasonal Rain: રવિ પાકને ભારે નુકસાન

આ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ અને તોફાની પવનથી જીરું, વરિયાળી, ઈસબગુલ અને દિવેલા જેવા તૈયાર પાકોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, આંબા પર આવેલી કેરીના મોર ખરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો પણ મોટો આર્થિક ફટકો સહન કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી

હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમને પગલે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બનાસકાંઠા-સાબરકાંઠામાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયામાં તેજ પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જોકે, 20 માર્ચ બાદ વાતાવરણ ચોખ્ખું થતા તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થશે અને કાળઝાળ ગરમીની શરૂઆત થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ભર ઉનાળે અષાઢી માહોલ,! વાતાવરણમાં પલટો, ધૂળની ડમરીઓ સાથે મિની વાવાઝોડું

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!

આ પણ વાંચો: કચ્છના રણમાં તોફાની પવન અને કમોસમી વરસાદે અગરિયાઓની કમર તોડી, લાખોનું નુકસાન