Kutch Little Rann Rain Damage: રાજ્યમાં બદલાયેલા હવામાનની સૌથી વધુ અસર કચ્છના નાના રણમાં જોવા મળી છે. રાપર તાલુકાના રણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ફૂંકાયેલા અત્યંત તોફાની પવન અને કમોસમી વરસાદે (Unseasonal Rain) મીઠું પકવતા અગરિયાઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. રણમાં આવેલા વરણુ પંથકમાં જાણે વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Kutch: ભારે તોફાને મચાવી તબાહી
ગઈકાલે મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું અને સૂસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ કુદરતી આફતમાં સૌથી વધુ નુકસાન મીઠું પકવતા અગરિયાઓને થયું છે. મળતી માહિતી મુજબ, વરણુના નાના રણમાં અગરિયાઓની અંદાજે ૫૫૦થી વધુ સોલાર પેનલો પવનના ભારે વેગમાં ઉડી ગઈ હતી અથવા તૂટી ગઈ હતી. આ સોલાર પેનલો અગરિયાઓ માટે વીજળી મેળવવાનો અને પાણી ખેંચવાના પંપ ચલાવવાનો મુખ્ય આધાર હોય છે, જે સાવ નકામી થઈ જતાં તેઓને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અગરિયાઓની મહેનત પર પાણી
નાના રણમાં વરણુ અને આસપાસના વિસ્તારના અગરિયાઓ દિવસ-રાત મહેનત કરીને મીઠું પકવે છે. પવન એટલો તેજ હતો કે મીઠાના અગરોમાં લગાવેલા સાધનો વેરવિખેર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન આવેલા આ તોફાને અગરિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તૈયાર થવા આવેલા મીઠાના પાક પર પણ વરસાદી પાણી ફરી વળતા ગુણવત્તા બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: માવઠાની એન્ટ્રી! ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ, ખેડૂતો અને જનતા માટે જાહેર થયું એલર્ટ
આ પણ વાંચો: ખેડૂતો પર આભ ફાટશે! અંબાલાલ પટેલની નવી આગાહીએ ઊંઘ ઉડાવી, એપ્રિલ સુધી પીછો નહીં છોડે માવઠું
