Gujarat Unseasonal Rain Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. આજે (19 માર્ચ) વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ‘મીની વાવાઝોડા’ જેવો માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને ભારે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

અમદાવાદમાં ધૂળની ડમરીઓ અને અંધારપટ
અમદાવાદમાં વહેલી સવારથી જ ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોની મુશ્કેલી વધી હતી. ભારે પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થયા છે. પશ્ચિમ અમદાવાદના ઉજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ પવનની ગતિએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પવનનો કહેર
વિસનગરમાં જોરદાર પવનને કારણે અનેક દુકાનોના પતરા અને શેડ ઉડી ગયા હતા, જ્યારે રસ્તા પરના હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે. બનાસકાંઠાના કાંકરેજ અને ઓગડ પંથકમાં પણ માવઠું પડ્યું છે, જ્યાં પવન એટલો તેજ હતો કે અનેક ઘરો અને ખેતરોમાં લાગેલી સોલાર પેનલો કાગળની જેમ ઉડી ગઈ હતી. આ ઉપરાંત, હિંમતનગરમાં ધૂળની ડમરીઓ સાથે વીજ પુરવઠો ખોરવાતા લોકો ભારે પરેશાન થયા હતા.
Unseasonal Rain: કેમ સર્જાઈ આ સ્થિતિ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે આ માવઠાની સ્થિતિ સર્જાઈ છે. આ સિસ્ટમને કારણે આગામી 20 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, સારી વાત એ છે કે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે.
આગામી 24 કલાક આ જિલ્લાઓ રહે ‘એલર્ટ’
આજે 19 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, સુરત, નવસારી, વલસાડ અને કચ્છ સહિત 25થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે 20 માર્ચના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં માવઠાની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!
આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ભૂકા બોલાવશે મેઘરાજા, જાણો કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ
આ પણ વાંચો: અમરેલી જીલ્લામા મોડી રાત્રે વરસાદ , લોકોને બફારામાંથી મળી રાહત
