ઉપલેટા,
સામાન્યપણે લગ્નપ્રસંગની ઉજવણી બેન્ડ બાજા સાથે ધામધૂમપૂર્વક કરાતી હોય છે પરંતુ આ શુભ પ્રસંગે સમાજને માનવતાનો ઉદ્દેશ આપવા માટે ઉપલેટા ગામમાં એક પ્રજાપતિ પરિવારે લગ્ન પ્રસંગે તેના પરિવારજનોને પક્ષીઓના માળા વાળી કંકોત્રી આપીને આમંત્રણ આપ્યું હતું. આ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ ઉનાળો ચાલી રહ્યો હોવાથી ગરમી ના વાતાવરણ માં પક્ષીઓ મૃત્યુ પામે છે. આ કારણોસર પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેનાથી બચવા અને પક્ષીઓને બચાવવા માટે અમે પરિવારજનો ને આમંત્રણ પત્રીકાના રૂપે પક્ષીઓ ના માળા વાળી કંકોત્રીનું વિતરણ કર્યું હતું. તેનાથી સમાજને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ શુભ પ્રસંગે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. તદુપરાંત ઉપલેટા શહેરના મંદબુદ્ધિ શાળાના બાળકોને ભોજન પણ કરાવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જેહમત ઊઠાવી હતી.
