વડોદરા,
દિવસેને દિવસે હત્યાઓની ઘટનાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. કોઈ નજીવી બાબતે કોઈ પણની હત્યા કરવી આમ વાત થઇ ગઈ હોય એમ લાગી રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા ખાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પાદરા ખાતે આવેલ એક ખેતરમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી અને ખેતર પર ગામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગે પોલીસને જાણ કરાતા પાદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબ્જો મેળવી પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બંનેની હત્યા થઈ હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ ઘાતક હથિયારો વડે હુમલો કરીને બંનેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે ત્યારે પોલીસે આ ડબલ મર્ડરનું કોકડુ ઉકેલવા માટે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.