Not Set/ જળ સંકટ : ઉનાળાની શરૂઆત સાથે જ તાપી જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ, તંત્ર પુરવાર થયું વામણું

તાપી, તાપી જિલ્લામાં ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કરતાંની સાથે જ વ્યારા-ડોલવણ પૂર્વનાં ગ્રામ્ય વિસ્તારો સહિત સોનગઢ નગર અને સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકાના મોટાભાગનાં ગામોમાં પાણી માટે લોકોમાં બૂમો પડવા લાગી છે. તાપી જિલ્લામાં ૧૯૬૯ની સાલમાં ઉકાઈ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું,  જો કે આ ડેમના નિર્માણ થયાનાં આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં […]

Gujarat

તાપી,

તાપી જિલ્લામાં ઉનાળાએ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કરતાંની સાથે જ વ્યારા-ડોલવણ પૂર્વનાં ગ્રામ્ય વિસ્તારો સહિત સોનગઢ નગર અને સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકાના મોટાભાગનાં ગામોમાં પાણી માટે લોકોમાં બૂમો પડવા લાગી છે. તાપી જિલ્લામાં ૧૯૬૯ની સાલમાં ઉકાઈ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું,  જો કે આ ડેમના નિર્માણ થયાનાં આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં ડેમ અસરગ્રસ્ત વિસ્તારો તેમજ ઉકાઈ જળાશયથી માત્ર ૨ કિમી થી લઈને તાપી જિલ્લાના પાણીથી વંચિત ગામોમાં હજું સુધી તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેતાં પાણીની સમસ્યાને કાયમી ધોરણે નિવારવામાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ પાણી પુરવઠા બોર્ડ વામણું પુરવાર થવા પામ્યું છે.

તાપી જિલ્લાની વરવી વાસ્તવિકતા એ છે કે, વ્યારાથી માત્ર ૧૫ કિમી દૂર આવેલ ધારાસભ્ય પૂનાજી ગામીતનું વતન કરંજવેલ ગામમાં પણ લોકો પીવાના પાણીથી માંડીને સિંચાઈ માટેના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ધારાસભ્યનાં નિવાસની સામે જ ૧૦ વર્ષ પહેલા બનાવેલી પાણી પુરવઠા બોર્ડની ટાંકીમાંથી  શરૂઆતનાં એક બે વર્ષ પાણી મળ્યા બાદ આજદિન સુધી લોકોને આ ટાંકી મારફતે ટીપુંય પાણી ઉપલબ્ધ થયું નથી.

તાપી જિલ્લાનાં અલગ-અલગ તાલુકાઓમાં શું છે પાણીની સ્થિતિ :

વ્યારા :

તાપી જિલ્લામાં બીજા તાલુકાઓની સરખામણીમાં પાણીની સ્થિતિ જોઈએ તો સૌપ્રથમ વ્યારા નગરમાં પાણીની સમસ્યા વિકટ નથી, પરંતુ વ્યારા તાલુકાના ઉતર- પૂર્વ તેમજ દક્ષિણ- પૂર્વ વિસ્તારનાં ગામોમાં પાણીની ભારે અછત શિયાળા અને ઉનાળાની સિઝનમાં જોવા મળી રહી છે. જેમાં વ્યારા ૧૭૧ વિધાનસભાનાં ધારાસભ્ય પૂનાજી ગામીતનું ગામ પણ બાકાત નથી.

વ્યારા તાલુકાનાં પૂર્વ વિસ્તારનાં મોટાભાગનાં ગામોમાં પાણીની ભારે તંગી હોવા છતાં પાણીની ગંભીર સમસ્યાથી તાલુકા પંચાયત પ્રમુખ અજાણ હોય લોકો પાસે ફરિયાદની અપેક્ષાએ ઓફિસમાં પડ્યા પાથર્યા રહે છે.

બીજી બાજુ પાણીની ભારે તંગી વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખ અંબાબેન ગામીતે જણાવ્યું હતું કે, “વ્યારાના કોઈ પણ ગામોમાંથી હાલ તો કોઈ પાણીની સમસ્યાને લઈ તાલુકા પંચાયત પાસે કોઈ ફરિયાદ કે ફરિયાદી આવ્યું નથી . તેમ છતાં જો કોઈ પાણી માટે સમસ્યાને પગલે કોઈ ફરિયાદ આવશે તો ચોક્કસથી તંત્ર દ્વારા પાણીની સમસ્યાને હલ કરવામાં આવશે”.

ડોલવણ :

ડોલવણ તાલુકાની વાત કરીએ તો તાલુકા મથક સહિત ઉત્તર પૂર્વનાં પાટી, પંચોલ, કરંજખેડ, રેંગણકચ્છ, ધામણદેવી , કલમકુઈ , અંતાપૂર અને દક્ષિણ પૂર્વનાં કાકડવા , કોસમકૂવા , ઉમરવાવ દૂર , પાઠકવાડી , પદમડુંગરી, ચુનાવાડી વગેરે વિસ્તારોનાં કુલ મળીને ૪૫ જેટલા ગામોમાં સિંચાઈનાં તેમજ પીવાનાં પાણીની મોટી સમસ્યા રહેલી છે.

વર્ષ ૨૦૦૨ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બામણામાળ પાણી પુરવઠા યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો, જો કે આ યોજનામાંથી હજી સુધી ડોલવણનાં ગામોમાં પાણી પહોંચી ન શકતા લોકો પાણીનો લાભ લેવાથી વંચિત રહ્યા છે. જેને લઈને ડોલવણ તાલુકાના ગામડાંઓમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ કરેલ બામણામાળ પાણી પુરવઠા યોજના કેમ નિષ્ફળ ગઈ તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પાણી પુરવઠો એકત્ર કરવા માટે બનાવેલ તળાવ પણ કેનાલમાં પાણી હોવાં છતાં કેમ ખાલી રાખવા અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.

વાલોડ :

તાપી જિલ્લાના વાલોડ તાલુકાની પાણીની સ્થિતિ જોઈએ તો વાલોડ નગર સહિત મોટાભાગના ગામોમાં દર ઉનાળે લોકોને પાણીની અછત વર્તાતી રહી છે ત્યારે ચાલું વર્ષે પણ વાલોડ નગર માટે તેમજ આસપાસના ગામોના લોકો માટે જીવાદોરી સમાન બની રહેતી વાલ્મિકી નદી સુકાઈ જતાં પાણીની તીવ્ર સમસ્યા ઊભી થવા પામી છે.

આ પાણીની તંગીના કારણે વાલોડના નગરજનોને દિવસ દરમિયાન એક જ ટાઈમ પાણી આપવાની પાણી પુરવઠા બોર્ડને નોબત આવી છે. વાલ્મિકી નદી સુકાઈ જતાં હેન્ડ પંપો અને કૂવાઓમાં પાણીનું જળસ્તર ઘટી જતાં હેન્ડ પંપ અને મોટાભાગના કૂવાઓ બિન ઉપયોગી બન્યા છે. આ ઉપરાંત વાલોડનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળનું સ્તર નીચું જતાં લોકો પીવાના પાણી માટે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા તેમજ વાસ્મો દ્વારા બનાવાયેલ ટાંકીઓ દ્વારા પણ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાથી લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

સોનગઢ:

સોનગઢ તાલુકામાં પણ સોનગઢ નગર સહિત સમગ્ર તાલુકાના લગભગ ૬૦ થી વધુ ગામનાં લોકો ઉકાઈ ડેમ બન્યાના પાંચ દાયકા વીતવા આવ્યાં હોવા છતાં પાણી માટે હાલાંકી ભોગવી રહ્યા છે. સોનગઢનાં મોટાભાગનો વિસ્તાર જંગલો અને ડુંગરોથી ઘેરાયેલો હોવાથી તંત્ર માટે અહીંના વિસ્તારોમાં પાણી પહોંચાડવું લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે.

વર્ષોથી દર વર્ષે સર્જાતી પાણીની ગંભીર સમસ્યાને નિવારવા સરકાર દ્વારા નક્કર પગલાં ન લેવાતાં સોનગઢનાં પાણી માટે વલખાં મારતાં ગામોમાં દર વર્ષે પાણીની તંગીને પહોંચી વળવા સરકારી તંત્ર માત્ર ટેન્કરો મારફતે પાણીનું વિતરણ કરીને સંતોષ માની રહ્યું છે.

આશ્ચર્યની વાત તો એ છે કે સોનગઢનાં દુમદા, ગુણસદા, ડોસવાડા જેવાં ગામો તો ડેમથી માત્ર પાંચ -છ કિમીનું અંતર ધરાવતાં હોવા ઉપરાંત પાણી માટે હાલાકી વેઠી રહ્યા છે. આ ઉપરાંત સોનગઢનાં અંતરિયાળ વિસ્તારોમાં વાસ્મો તેમજ વોટર શેડ પ્રોજેક્ટ દ્વારા બનાવાયેલ પાણીની ટાંકીઓ શોભાના ગાંઠિયા સમાન બની રહેલ છે તેમજ  ચેકડેમો તથા તળાવો દર વર્ષે સૂકાઈ જતાં હોય છે.

ઉચ્છલ :

તાપી જિલ્લાનાં છેવાડાના ઉચ્છલ તાલુકાના મોટાભાગના ગામો ઉકાઈ અસરગ્રસ્તોની શ્રેણીમાં આવે છે. ઉચ્છલમાં વસતા લોકોની મોટી કમનસીબી એ છે કે, લોકોને ઉકાઈ જળાશયનાં પાણીના દર્શન તો થાય છે પરંતુ પાણી ઉપયોગ કરી શકતાં નથી. વાસ્મો તેમજ પાણી પુરવઠા વિભાગે અસંખ્ય પાણીની ટાંકીઓ બનાવી તો છે પરંતુ મોટાભાગની ટાંકીઓ બન્યાનાં વર્ષો થઈ ગયા પરંતુ આજદીન સુધી લોકોનાં ઘરોમાં તો દૂરની વાત ટાંકીઓમાં પણ પાણી પહોંચ્યું નથી.

પાણીની ભારે અછતને લઈ અહીંનાં લોકોના પશુપાલનના વ્યવસાય પર પણ માઠી અસર જોવા મળે છે. પૂરતા પાણીનાં અભાવે ખેડૂતોએ ખેતી માટે વરસાદ પર નિર્ભર રહેવું પડે છે તેમજ પશુઓને પણ પૂરતી માત્રામાં પાણી ન મળતાં પશુઓને પાણીની તરસ છિપાવવા દૂર સુધી રઝળવું પડે છે.

નિઝર – કુકરમુંડા :

તાપી જિલ્લાનાં મુખ્ય મથક વ્યારાથી આશરે ૧૨૦ કિમીનાં અંતરે આવેલ નિઝર અને કુકરમુંડા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરઉનાળે લોકો પાણી માટે ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. કૂવાઓ તેમજ નદી નાળાનું જળ સ્તર ઘટવાથી પાણી પુરવઠા બોર્ડે બનાવેલ મોટાભાગની ટાંકીઓ નકામી બની છે.

ઉનાળાની શરૂઆતથી જ નિઝર તાલુકાના મુખ્ય નિઝર મથકે લોકોને પીવાના તથા વાપરવાના પાણી માટે આખો દિવસમાં કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે  છે. લોકોને હાલ પીવાના પાણીને લઈ મોટી સમસ્યા સામે ઝૂઝવું પડી રહ્યું  છે.

લોકોનાં પ્રશ્નો અંગે ગ્રામપંચાયતના સરપંચ, તલાટીને જાણ કર્યા પછી પણ સમસ્યાનું નિરાકરણ ન આવતાં સરપંચ મનસ્વી વહીવટ કરે છે એવું  લોકો નું  કહેવું  છે  સરપંચ  આદિવાસી હોવા છતાં આદિવાસીઓ સાથે  ભેદભાવ કર્યા નો લોકોનો  આરોપ છે કે જ્યારથી  સરપંચ બન્યો છે ત્યારથી આવિસ્તારમાં પગ પણ મૂક્યો નથી તેમજ આ વિસ્તારની કોઈ સમસ્યાનું નિરાકરણ આવ્યું  નથી

રોડ રસ્તા કે  પાણીની  પ્રાથમિક જરૂરિયાત  પૂરી  ન પાડનાર નિઝર ગ્રામપંચાયતનો મનસ્વી વહીવટ લાખો રૂપિયાની  ગ્રાન્ટ માત્ર  કાગળ પર બતાવવામાં આવી રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નિઝરમાં પાણીની  સમસ્યા પશુ દવાખાનનું  ફળિયું,  એકતાનગર, ડાબરીઆંબા ફળિયું, આંબેડકર નગર, અંદાજિત ૫૦૦થી વધારે કુટુંબ આ વિસ્તારમાં રહેતા હોય  છે

તાલુકાનાં મુખ્યમથક એવાં નિઝર અને કુકરમુંડામાં જ પાણીની તીવ્ર અછતને નિવારવા તંત્ર બિન કાર્યક્ષમ પુરવાર થયું છે. ત્યારે ગામડાના પાણીની સમસ્યાઓને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે ચર્ચાનો વિષયો બન્યો છે.