વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ યોગ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં લાખો દેશવાસીઓ ઉપરાંત વિશ્વભરના અસંખ્ય લોકોએ યોગ કરી અને સ્વાસ્થ્યને મજબૂત બનાવ્યું છે. તેમજ સમગ્ર વિશ્વમાં યોગની મહત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ દિવસે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગુજરાતમાં દરેક લોકો સુધી યોગ પહોંચાડવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી સમયમાં યોગને જન-જન સુધી પહોંચાડવા ૧ લાખ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગો શરૂ થશે. આ અંગે જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, યોગ – પ્રાણાયામની પ્રવૃત્તિઓના વ્યાપક પ્રસારથી જીડીપી સાથે હેપીનેસ ઇન્ડેક્ષ-સ્વસ્થતા સુખાકારીની વૃદ્ધિ પણ કરવી છે.મુખ્યમંત્રીએ ભારતની યોગની અણમોલ વિરાસત હવેના સમયમાં શારીરિક, માનસિક સ્વસ્થતા, શાંતિ માટે એક જરૂરિયાત બની ગઇ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત માતા આવી પુરાતન વિરાસતના માધ્યમથી આજે વિશ્વગુરૂ બની છે.
મુખ્યમંત્રીએ ૭માં વિશ્વ યોગ દિવસ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમારોહમાં 21 હજાર યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રતિક રૂપે પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસશીલ ગુજરાત અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણ ભણી જઇ રહેલા આપણા રાજ્યમાં જી.ડી.પી. સાથે હેપીનેસ ઇન્ડેક્ષમાં પણ વૃદ્ધિ કરવા સૌના તન-મન, બુદ્ધિ, આત્માને યોગના માધ્યમથી સ્વસ્થ તંદુરસ્ત કરીને દિવ્ય ગુજરાત, સંસ્કારી ગુજરાત બનાવવાની નેમ રાખી છે.
ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી પાછલા ત્રણ વર્ષમાં યોગનો વ્યાપ ગામો-નગરોમાં વિસ્તારવા યોગાભ્યાસ તાલીમવર્ગો, ૭પ૦ કોચ, પ૩ હજાર જેટલા ટ્રેનર્સ તૈયાર કરવા સહિતની પ્રવૃત્તિઓથી દિવ્ય ગુજરાતના નિર્માણની કલ્પનામાં સક્રિય સહયોગ મળી રહ્યો છે.આ તકે મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લા મથકોને વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રેરક સંબોધન કરતા કહ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વને હવે યોગ-પ્રાણાયામ તરફ પ્રેરિત કર્યા છે. પરંતુ આ યોગ સંસ્કૃતિનું સર્જન તો પાંચ હજાર વર્ષ પહેલાં આપણા મહર્ષિઓ એ કરેલું છે. સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનું ગૌરવ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને અપાવ્યું છે.
ગુજરાત યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ‘હવે તો બસ એક જ વાત-યોગમય બને ગુજરાત’ થીમ સોંગનું લોંચીંગ પણ કર્યુ હતું. રમત-ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે વિશ્વ યોગ દિવસની આ વર્ષની ઉજવણીમાં રાજ્યમાં મળેલા જનપ્રતિસાદની સરાહના કરી હતી.આ પ્રસંગે રમત-ગમત યવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજી, નિયામક મંડળના સભ્ય ભાનુભાઇ ચૌહાણ તેમજ અધિક મુખ્ય સચિવ સી.વી. સોમ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

