ADR Report Women in Politics: આજે જ્યારે આખું વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતીય રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં મહિલા ઉમેદવારો અને પ્રતિનિધિઓની સંખ્યા હજુ પણ ખૂબ જ ઓછી છે.
ADR Report: ચૂંટણીના મેદાનમાં મહિલાઓની ઉદાસીનતા
ADR Report અનુસાર, દેશભરમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડનારા કુલ 51,708 ઉમેદવારોમાંથી માત્ર 5,095 એટલે કે માત્ર 10 ટકા મહિલાઓ છે. આ આંકડો દર્શાવે છે કે મહિલા સશક્તિકરણના દાવાઓ વચ્ચે પણ રાજકારણમાં સ્ત્રીઓને પૂરતી તક કે પ્રોત્સાહન મળતું નથી.
લોકસભા 2024ની સ્થિતિ
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો સ્ત્રી પ્રતિનિધિત્વની વાસ્તવિકતા અત્યંત ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. કુલ 8,360 જેટલા ઉમેદવારોમાંથી માત્ર 800 એટલે કે 9.6 ટકા જ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત તો એ છે કે, 152 જેટલી એટલે કે 28 ટકા બેઠકો એવી હતી જ્યાં એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી લડી રહી નહોતી. જો સમગ્ર દેશના 4,666 સાંસદો અને ધારાસભ્યોની વાત કરીએ તો તેમાંથી માત્ર 464 મહિલાઓ છે, જે કુલ સંખ્યાના માંડ 10 ટકા જેટલો જ હિસ્સો ધરાવે છે.
ગુજરાતનું ચિત્ર અને ભાવનગરની જીત
ગુજરાતની વાત કરીએ તો, હાલમાં લોકસભામાં 4 મહિલા સાંસદો અને વિધાનસભામાં 14 મહિલા ધારાસભ્યો પ્રતિનિધિત્વ કરી રહી છે. ખાસ કરીને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભાણિયા (BJP) એ 69.70% વોટ શેર સાથે સૌથી મોટી જીત મેળવનારા મહિલા નેતાઓમાં સ્થાન મેળવ્યું છે.
ક્રિમિનલ હિસ્ટ્રી અને સંપત્તિ
ADR રિપોર્ટમાં મહિલા પ્રતિનિધિઓના ગુનાહિત ઇતિહાસ અને આર્થિક સધ્ધરતા અંગેના આંકડા પણ સામે આવ્યા છે. વિગતો મુજબ, કુલ 476 મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી 127 (27%) સામે ફોજદારી કેસો ચાલી રહ્યા છે, જેમાંથી 68 (14%) સામે તો ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. સંપત્તિના મામલે પણ આ મહિલાઓ પાછળ નથી, કારણ કે તેમાંથી 14 (3%) મહિલા પ્રતિનિધિઓ અબજોપતિ હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ બધા વચ્ચે એક સકારાત્મક અને રાહતરૂપ પાસું એ છે કે, 70% મહિલા સાંસદો અને ધારાસભ્યો ગ્રેજ્યુએટ કે તેથી વધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે.
રાજ્યોમાં ઓડિશા અને દિલ્હી અગ્રેસર
કોઈપણ રાજ્યમાં મહિલા ઉમેદવારોના આંકડા 15% થી વધુ નથી. જોકે, દિલ્હી અને ઓડિશા 14% મહિલા ઉમેદવારો સાથે દેશમાં મોખરે છે. 41% વિધાનસભા બેઠકો પર આજે પણ એક પણ મહિલા ચૂંટણી લડતી નથી, જે મહિલા અનામત બિલના કડક અમલની જરૂરિયાત સૂચવે છે.
આ પણ વાંચો:વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, 9 PIની આંતરિક બદલીથી વિભાગમાં ખળભળાટ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા
આ પણ વાંચો:નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી
