Gujarat News: રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (STI) વર્ગ-3ની પરીક્ષા આખરે પૂર્ણ થઈ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ STI વર્ગ-3ની પરીક્ષામાં કોઈ છબરડો ના થતા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. રાજ્ય વેરા નિરીક્ષ વર્ગ-3ની પ્રિલીમરી પરીક્ષા રાજ્યના 33 જિલ્લાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવામાં આવી. આજે 22 ડિસેમ્બર રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી 1 વાગ્યાના સમયમાં પરીક્ષા લેવામાં આવી. અંદાજે 1.85 લાખ ઉમેદવારોએ STI વર્ગ-3ની પરીક્ષા આપી.

STI વર્ગ-3ની પરીક્ષાને લઈને ઉમેદવારનું કહેવું છે કે બહુ અઘરું પેપર નહોતું. તમામ વિષયોને એકસરખું મહત્વ આપી પ્રશ્નો પૂછાયા હતા. તો અન્ય એક ઉમેદવારને પરીક્ષા બહુ સરળ લાગી. તેણે કહ્યું કે જો કોઈએ સામાન્ય તૈયારી કરી હોય તો તે પણ સરળતાથી આ પેપર આપી શકે તેમ હતું. પરીક્ષા પહેલા ઉમેદવારો વધુ ચિંતિત હતા. કારણ કે અનેક વખત પેપરલીકની ઘટના બની છે. આથી જો છેલ્લી ઘડીએ આવું કંઈ થાય તો તેમની મહેનત પર પાણી ફરી વળત. જો કે પરીક્ષા લેવાતા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બનતા પરીક્ષાર્થીઓને પણ હાશકારો થયો.

જો કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય માટે ત્રણ તબક્કામાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉમેદવારને મેટલ ડિટેક્ટર દ્વારા ચકાસણી કરાયા બાદ જ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા. તેમજ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો બહાર મૂકાયા હતા તેમજ ઉમેદવારોને કેન્દ્રની બહાર જ બૂટ, ચપ્પલ અને મોજા ઉતારવા માટે સૂચના આપવામાં આવી હતી.

તાજેતરમાં STI વર્ગ-3ની પરીક્ષાને લઈને માહિતી આવી છે કે સુરતમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાના સ્થાન પર પંહોચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કહેવાય છે કે મોટાભાગના પરીક્ષાર્થીઓએ ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા તેઓ ખોટા સ્થાને પંહોચી ગયા હતા પરંતુ પોલીસની મદદથી યોગ્ય પરીક્ષા કેન્દ્રમાં પંહોચવામાં સફળતા મળી. અગાઉ અનેક વખત સરકારી પરીક્ષાના પેપર ફૂટી ગયા હોવાના કાંડ થતા આ વખતે પેપર લીક રોકવા કેન્દ્રોમાં એચડી કેમેરા બંધ રાખવા જેવી કડક કાર્યવાહી હાથ ધરી હતી. પરીક્ષા કેન્દ્રમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્ર ગનમેનની સાથે અંદર લઈ જવામાં આવ્યા હતા. અંતે STI વર્ગ-3ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ઉમેદવારો સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો.
આ પણ વાંચો: 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત BCCI રણજી ટ્રોફીનું આયોજન કરશે નહીં
આ પણ વાંચો: MCA એ પૃથ્વી શૉ અંગે આપ્યું મોટું નિવેદન, ટીમમાંથી કેવી રીતે બહાર કરાયો ?
