India Weather News: વરસાદથી મળેલી થોડી રાહત હવે સમાપ્ત થઈ રહી છે અને ફરી ગરમીનું પ્રકોપ વધતું જોવા મળી રહ્યું છે. રવિવારે દિલ્હી (Delhi) ના સફદરજંગ વિસ્તારમાં તાપમાન 40.1°C સુધી પહોંચી ગયું, જે સામાન્ય કરતાં લગભગ 3 ડિગ્રી વધારે નોંધાયું છે.
આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે (IMD) આ સિઝનમાં પહેલીવાર હીટવેવ અંગે ચેતવણી જાહેર કરી છે. બુધવારથી શુક્રવાર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગરમીનો મોજો ફેલાઈ શકે છે અને તાપમાન 43°C સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
41°C પછી અચાનક વરસાદી પલટો
શુક્રવારે દિલ્હીમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન 41°C નોંધાયું હતું, પરંતુ સાંજ પડતાં જ હવામાનમાં અચાનક પલટો આવ્યો. શહેરમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને તેજ પવન જોવા મળ્યા.
શનિવારે તાપમાન થોડું ઘટીને 40°C થી નીચે આવી ગયું, જેના કારણે લોકોને થોડોક સમય માટે ગરમીમાંથી રાહત મળી, પરંતુ આ રાહત લાંબી ટકી શકી નહીં.
આવનારા દિવસોમાં આ રાજ્યોમાં વધશે ગરમીનો પારો
રવિવારે ઉત્તર દિલ્હીના રિજ ઓબ્ઝર્વેટરી વિસ્તારમાં તાપમાન 41.8°C સુધી પહોંચી ગયું હતું, જેને કારણે તે દિવસનું સૌથી ગરમ સ્થળ બન્યું. તેની પાછળ ઉત્તરપશ્ચિમ દિલ્હીના મુંગેશપુરમાં 41°C તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સતત ફૂંકાતા ગરમ ઉત્તરપશ્ચિમ પવનો અને લાંબા સમય સુધી રહેતા તીવ્ર સૂર્યપ્રકાશના કારણે આગામી દિવસોમાં દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે.
તાપમાન 43°C સુધી પહોંચવાની શક્યતા
આ અઠવાડિયાની શરૂઆતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાનો છે. સોમવાર અને મંગળવારે મહત્તમ તાપમાન 41 થી 42°C વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે બુધવારથી શુક્રવાર દરમિયાન તેમાં વધુ વધારો થઈ 43°C સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અનુસાર, હિમાલય વિસ્તારમાં અસર કરતો પશ્ચિમી વિક્ષેપ રવિવારે આગળ વધ્યો છે. 23 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, પરંતુ તેની અસર નબળી હોવાથી આગામી સપ્તાહ દરમિયાન દિલ્હીમાં ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળવાની આશા ઓછી છે.
તેમજ તેમને જણાવ્યુ કે, સોમવારે દિલ્હીના એક સ્ટેશન પર ગરમીનું મોજું નોંધાઈ શકે છે. વધુમાં, 22 એપ્રિલથી શહેરના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
