Monsoon Alert/ ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર

શહેરામાં સૌથી વધુ 8 ઈંચ, વીરપુરમાં પોણા 8 ઈંચ વરસાદ પડ્યો

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 1 5 ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 કલાકમાં 158 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આઠ કલાકમાં 158 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના શહેરામાં સૌથી વધુ 8 ઈંચ જ્યારે વીરપુરમાં પોણા 8 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 18થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

ઓગસ્ટ મહિનામાં ખૂબ રાહ જોવાડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. રાજ્યમાં બે સિસ્ટમ સર્જાતા ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે.

છેલ્લા આઠ કલાક દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં શહેરામાં સૌથી વધુ 8 ઈંચ, વીરપુરમાં પોણા 8 ઈંચ, અમદાવાદ શહેરમાં 2 કલાકમાં 2 ઈંચ, ગોધરામાં સાડા 6 ઈંચ વરસાદ, તલોદ અને પ્રાંતિજમાં 4થી 5 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા રિસાયેલા રહેવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે.

હવામાન વિભાગે 18થી 21 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે તો કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

18મીના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જ્યારે નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. બીજી તરફ વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.