Heavy Rain Gujarat: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાવા, ટ્રાફિકમાં વિક્ષેપ અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી કલાકો માટે વધુ ભારે વરસાદની આગાહી સાથે વિવિધ જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કર્યા છે.
Gujarat Rain Alert:આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કરવામાં આવ્યું છે.
ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓ
અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, ભાવનગર, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે ઓરેન્જ એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કરવામાં આવ્યું છે.
યલો એલર્ટ હેઠળના વિસ્તારો
અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ વાવ અને થરાદ વિસ્તાર માટે યલો એલર્ટ (Gujarat Rain Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાગરિકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનો સૌથી વધુ પ્રભાવ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં જળસ્તર વધ્યું છે. વલસાડમાં ઔરંગા નદીના પાણી શહેરના કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યા છે, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદમાં જળબંબાકાર સ્થિતિ
અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોપલ વિસ્તારની સ્ટર્લિંગ સિટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક અંડરપાસોમાં પાણી ભરાતા તંત્રએ તેમને તાત્કાલિક બંધ કરી દીધા છે.
શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી પ્રવેશવાના બનાવો નોંધાયા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ અસર જોવા મળી રહી છે.
નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ
હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને નદી, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:વલસાડમાં ભારે વરસાદનો કહેર: સંજાણ-હુમારણ બ્રિજનો ભાગ તૂટ્યો, ઉમરગામમાં સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ
આ પણ વાંચો:અમદાવાદમાં નિર્ણયનગર અન્ડરપાસમાં પાણી ભરાયા,AMCએ 52 મિનિટમાં પાણીનો નિકાલ કર્યો
