સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસતા સૌરાષ્ટ્ર પંથક પાણીથી તરબોળ થઇ ગયુ હતુ. ભારે વરસાદ અને વધી રહેલા પવનને કારણે અમરેલી જીલ્લામાં રાજુલા,જાફરાબાદની દરિયાઈ પટ્ટીમાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોજા 7 ફુટ જેટલા ઉછળ્યા હતા. તો ગીર ગઢળામાં મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
માઘવરાય મંદિર પાણીમાં ફરી વખત ગરકાવ થયુ હતુ. બે દિવસમાં પાંચમી વખત મંદિર સરસ્વતી નદીના પાણીમાં ગરકાવ થયુ હતુ. સુત્રાપાડા પંથકમાં સાત દિવસથી અવિરત વરસેલા વરસાદને કારણે સરસ્વતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. જળસ્તર વધવાને લીધે માઘવરાય મંદિર પાણીમાં ગરકાવ થયુ.
મોરબી પંથકમાં મુશળધાર વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. ધોરાજી પાટણવાવના ઓસમ પર્વત પર ધોધમાર વરસાદને લીઘે પાણીની લહેરો ઉઠી હતી.
ટપકેશ્વર મહાદેવ મંદીર પાણીમાં ગરકાવ થઇ ગયુ હતુ. ગોંડલના ભુણાવા, ભરૂડી, રીબડા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે વરસાદી પાણી નગરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા. નગરના જેલચોક પાસે બનાવેલો સિમેન્ટ રોડ વરસાદી પાણીમાં ઘોવાતા તંત્રની પોલ ખુલી પડી ગઇ હતી.
