Gujarat News/ રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: 13 જિલ્લામાં હાઈ એલર્ટ, NDRF-SDRFની 50 ટીમો તૈનાત

રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર. NDRF-SDRFની કુલ 50 ટીમો તૈનાત કરી સરકારે તંત્રને હાઈ એલર્ટ પર રાખ્યું છે.

Top Stories Gujarat Budget 2025-26 Gujarat Breaking News
Heavy rain

Gujarat News: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy rain)ની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પૂર અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 17 અને SDRFની 33 સહિત કુલ 50 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સરકારની અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

રાજ્યમાં Heavy rain: 13 જિલ્લામાં રેડ એલર્ટ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં સક્રિય હવામાન પ્રણાલીને કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે.

આજે વહેલી સવારથી નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને દરેક જિલ્લામાં નિયંત્રણ કક્ષાઓ સક્રિય રાખવામાં આવી છે.

NDRF અને SDRF ની કુલ 50 ટીમો સ્ટેન્ડબાય

રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્યવ્યાપી પૂર્વતૈયારી કરવામાં આવી છે. રાજ્યમાં એનડીઆરએફની 17 ટીમો અને SDRFની 33 ટીમો સહિત કુલ 50 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં NDRFની ત્રણ ટીમોને ખાસ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ ઉપરાંત તમામ બચાવ બોટ, તેના સંચાલકો અને અન્ય બચાવ સાધનોનું મેપિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય.

પુર સ્થિતિની પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ

સંભવિત પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરો, પોલીસ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે માનવજીવનની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ચોવીસે કલાક પરિસ્થિતિ પર નજર રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા કરી અપીલ

રાહત કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે મેડિકલ ઇમરજન્સી અથવા અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું. નદી, નાળા, તળાવો અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું તેમજ અફવાઓથી દૂર રહેવું. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી લોકો સાવચેતી રાખે તે અત્યંત જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી શકાય. રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી તમામ સંસાધનો તૈયાર રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો:રાજકોટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મનપા એલર્ટ, અધિકારીઓની રજા રદ; 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે ખાસ પ્લાન

આ પણ વાંચો:ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં સુરત જળબંબાકાર, BRTS સેવા બંધ, કાપડ માર્કેટ-કારખાનાઓ બંધ; આર્મી તૈનાત

આ પણ વાંચો:વડોદરામાં રેડ એલર્ટ: 3 NDRF અને SDRFની ટીમો તૈનાત, નીચાણવાળા ગામોમાંથી સ્થળાંતર શરૂ