Surat: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં શુક્રવારે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. સતત ધોધમાર વરસાદને કારણે શહેર (Heavy rain in Surat)ના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભેદવાડ ખાડી (Bhedwad Khadi) ઓવરફ્લો થતાં પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. VIP રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BRTS સેવા બંધ, તમામ કાપડ માર્કેટ અને કારખાનાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી આર્મીની ટીમ (Army Deployment) સુરત રવાના કરવામાં આવી છે.
Heavy rain in Surat : ભેદવાડ ખાડી ઓવરફ્લો
ભારતીય હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે.
સતત વરસાદને કારણે ભેદવાડ ખાડી (Bhedwad Khadi) ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના VIP રોડ, પાંડેસરા, કતારગામ, ડભોલી અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. લિંબાયત વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડતાં સલામતી માટે બેરીકેડિંગ કરવામાં આવ્યું છે.
ભેદવાડ ખાડીમાં પાણીની સપાટી સતત વધતા નજીકના પોશ વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અનેક રહેણાંક સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, મનપા અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.
ભારે વરસાદને પગલે આર્મી સાથે તંત્ર એલર્ટ, કારખાનાઓ અને માર્કેટ બંધ
પરિસ્થિતિ ગંભીર બનતાં જિલ્લા વહીવટી તંત્રએ સુરત જિલ્લાના તમામ કારખાનાઓને આગામી બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ કર્યો છે. શહેરની મુખ્ય કાપડ માર્કેટો અને BRTS સેવા પણ બંધ રાખવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વડોદરાથી આર્મીની ટીમ સુરત મોકલવામાં આવી છે. આર્મી, NDRF, SDRF અને સ્થાનિક તંત્ર સંયુક્ત રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે.
અધિકારીઓની રજાઓ રદ, નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા. રાજ્ય સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. હવામાન વિભાગે દિવસભર અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સલામત સ્થળે જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 3 કલાક માટે Red Alert: IMDના Nowcast બાદ અમદાવાદ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
