Rajkot News: રાજકોટમાં મિલકતના વિવાદ (Rajkot Property Dispute)ને લઈને વૃદ્ધ દંપતીને પરેશાન કરવામાં આવ્યાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે. ન્યૂ કોલેજવાડી મેઈન રોડ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય પુષ્પાબેન પ્રવિણચંદ્ર જોષીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રવધૂ અને બે પૌત્રીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મિલકત પોતાના નામે કરી આપવા માટે દબાણ, ગાળો, ધમકી અને શારીરિક નુકસાન પહોંચાડવાના પ્રયાસો જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
પુષ્પાબેનના જણાવ્યા મુજબ, તેમના પરિવાર પાસે અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતનું બે માળનું મકાન છે. વૃદ્ધ દંપતી નીચેના માળે રહે છે, જ્યારે ઉપરના માળે પુત્રવધૂ કિન્નરીબેન પોતાની બે પુત્રીઓ સાથે રહે છે. મકાનના અન્ય રૂમમાં તેમનો નાનો પુત્ર રવિ પોતાના પરિવાર સાથે રહે છે.
Rajkot Property Dispute: પુત્રના અવસાન બાદ મિલકતને લઈને વિવાદ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વૃદ્ધ દંપતીને બે પુત્ર અને એક પુત્રી છે. તેમના મોટા પુત્ર સંજયનું વર્ષ 2024માં કેન્સરના કારણે અવસાન થયું હતું. ત્યારબાદ મિલકતના હક્કને લઈને પુત્રવધૂ અને પૌત્રીઓ સાથે વિવાદ વધ્યો હોવાનો વૃદ્ધ દંપતીનો આક્ષેપ છે.પુષ્પાબેનનો આરોપ છે કે પુત્રવધૂ કિન્નરીબેન અને તેમની બંને પુત્રીઓ વારંવાર મિલકત (Rajkot Property Dispute)માં ભાગ આપવાની માગણી કરીને ઝઘડો કરે છે અને અપશબ્દો બોલે છે.
‘મિલકત અમારા નામે કરો, નહીં તો મારી નાખીશું’
ફરિયાદ મુજબ, 20 જુલાઈ 2026ના રોજ સવારે ઘરે હાજર હતા ત્યારે પુત્રવધૂ અને બંને પૌત્રીઓએ મિલકતમાં તેમનો ભાગ આપવાની માગણી કરી હતી. વૃદ્ધ મહિલાનો આક્ષેપ છે કે મિલકત તેમના નામે નહીં કરવામાં આવે તો ઘરમાં કોઈ રીતે અકસ્માત કરાવીને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.વૃદ્ધ દંપતીએ તેમને શાંતિથી રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ઝઘડો ચાલુ રાખવામાં આવ્યો અને ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
બેડરૂમમાં શોધખોળ અને ઘરના દરવાજા ખુલ્લા રાખવાનો આક્ષેપ
પુષ્પાબેને ફરિયાદમાં વધુ આક્ષેપ કર્યો છે કે તેમની બંને પૌત્રીઓ તેમની અને તેમના પતિની ગેરહાજરીમાં બેડરૂમમાં જઈને વસ્તુઓની શોધખોળ કરે છે. તેઓ ઘરમાં હાજર હોય ત્યારે પણ મિલકત (Rajkot Property Dispute) પોતાના નામે કરી આપવા માટે દબાણ કરીને ઝઘડો કરવામાં આવતો હોવાનો આરોપ છે.વૃદ્ધ દંપતી જ્યારે ઘરની બહાર જાય ત્યારે મુખ્ય દરવાજા ખુલ્લા રાખવામાં આવતા હોવાના કારણે અજાણ્યા લોકો ઘરમાં પ્રવેશી શકે તેવી સ્થિતિ ઊભી થતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
‘હિંચકાની સ્પીડ વધારી દાદાને પાડવાનો પ્રયાસ’
ફરિયાદમાં સૌથી ગંભીર આક્ષેપોમાંથી એક વૃદ્ધ દાદાને હિંચકા પરથી પાડી દેવાનો પ્રયાસ કરવાનો છે. પુષ્પાબેનના જણાવ્યા મુજબ, જ્યારે તેમના પતિ હિંચકા પર બેઠા હોય ત્યારે પૌત્રી તેમની બાજુમાં બેસીને અચાનક હિંચકાની ઝડપ વધારી દેતી હતી, જેથી તેઓ હિંચકા પરથી પડી જાય અને ઈજા થાય.આ ઉપરાંત રસોડામાં પાણી અથવા તેલ ઢોળી દેવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વૃદ્ધ દંપતીના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં પગ લપસી જવાથી અકસ્માત સર્જાઈ શકે છે.
અગાઉ પણ વિવિધ સ્તરે રજૂઆત કરી હોવાનો દાવો
વૃદ્ધ દંપતીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન મિલકત (Rajkot Property Dispute) અને પરિવારના વિવાદ અંગે લોક અદાલત તેમજ રક્ષણ મેળવવા માટે કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો ન થતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે.
‘હાલ અમને આ ઘરમાંથી બીજે મોકલો’
વૃદ્ધ દંપતીની મુખ્ય માગણી હાલ તેમને આ ઘરમાંથી સુરક્ષિત સ્થળે ખસેડવાની છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં મિલકત (Rajkot Property Dispute)માં જે હક બનતો હશે તે આપવા તેઓ તૈયાર છે, પરંતુ હાલ જે રીતે તેમને કથિત રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તે સહન કરવું મુશ્કેલ બન્યું છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદના આધારે તપાસ આગળ વધારી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:મિલકતના વિવાદમાં બે સગા ભાઈની હત્યા, ભત્રીજા સામે ડબલ મર્ડરનો ગુનો
આ પણ વાંચો:અમદાવાદમાં કલિયુગી પુત્રે માતાની હત્યા કરી, મિલકતના વિવાદમાં લાકડાની લાકડીથી હુમલો
આ પણ વાંચો:રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકતનો વિવાદ : ટીવી કલાકાર ક્રિસ્ટીના પટેલના કાકાએ તમામ આરોપો ફગાવ્યા
