કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 24 થયો છે. નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા કાદવ અને કાટમાળમાંથી વધુ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે 12 ઓક્ટોબરથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 38 થયા હોવાની વાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોટ્ટાયમ જિલ્લામાં ભૂસ્ખલનથી પ્રભાવિત કુતલમાં મૃત્યુઆંક 13 છે, જેમના મૃતદેહો પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા છે અને ઇડુક્કી જિલ્લામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે.આ સાથે ભારે વરસાદના લીધે અનેક મકાનો ધરાશાયી થયા છે. સરકારના આંકડા મુજબ 90 મકાન ધરાશાયી થયા છે અને 702 મકાનોને ભારે નુકશાન થયો છે.
ઇડુક્કી જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે નૌકાદળ, એનડીઆરએફ, અગ્નિશામકો અને અન્ય લોકો કોક્કયાર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં બચાવ કામગીરીમાં રોકાયેલા છે, જે 16 ઓક્ટોબરે અનેક ભૂસ્ખલનથી તબાહ થઈ ગયા હતા અને જ્યાં વધુ એક વ્યક્તિ ગુમ થયાની જાણ થઈ રહી છે. જિલ્લામાંથી આજે વધુ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા,ત્યાં મૃત્યુઆંક 11 થયો હતો.
બચાવ ટીમોએ 16 ઓક્ટોબરના રોજ ઇડુક્કી જિલ્લાના કંજર વિસ્તારમાં પૂરના પાણીમાં ધોવાઇ ગયેલી કારમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ બહાર કા્ઢવામાં આવ્યા હતા. ઇડુક્કી જિલ્લા મેજિસ્ટ્રેટ શીબાએ જ્યોર્જે પીટીઆઈને જણાવ્યું કે, અત્યાર સુધી અમને 11 લોકોના મૃતદેહ મળ્યા છે. હજુ એક વ્યક્તિ ગુમ છે. નેવી અને એનડીઆરએફની શોધ ચાલુ રહેશે.
