Ahmedabad News:અમદાવાદના બોપલ વિસ્તારમાં ગત વર્ષે નવેમ્બરમાં થયેલી રોડ રેજની ઘટનામાં MICAના 21 વર્ષીય વિદ્યાર્થી શ્રેયાંશ ઉપાધ્યાયની હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે મુખ્ય આરોપી વિરેન્દ્રસિંહ પધેરિયાની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયાની બેન્ચે માત્ર જામીન નકાર્યા જ નહીં, આરોપી પર ₹5,000નો દંડ પણ ફટકાર્યો છે.આરોપીના વકીલે જામીન અરજી પરત ખેંચી લેવાની વિનંતી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે “લિબર્ટી” મેળવવા માગ કરી હતી. કોર્ટે આ વિનંતી મંજૂર કરી અરજી પરત ખેંચવાની પરવાનગી આપી, પરંતુ દંડ ફટકારતાં જણાવ્યું કે, “આ પ્રકારની અરજીઓ વારંવાર દાખલ કરીને કોર્ટનો સમય બગાડવો યોગ્ય નથી.”
આરોપી વિરેન્દ્રના જામીન કોર્ટ દ્વારા નકારાયા
9 નવેમ્બર 2024ની રાત્રે બોપલ-ઘુમા રોડ પર વિરેન્દ્રસિંહ પઢેરિયાએ પોતાની લક્ઝુરિયસ કાર ઝડપથી ચલાવીને શ્રેયાંશ ઉપાધ્યાયને ટક્કર મારી હતી. શ્રેયાંશ તે સમયે પોતાના મિત્ર સાથે બાઇક પર હતો અને ઘરે પરત ફરી રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે શ્રેયાંશનું તત્કાલ મોત નીપજ્યું હતું જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ સામે IPCની કલમ 302, 279, 337, 338 તેમજ મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીએ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો.
અરજી પરત ખેંચી સુપ્રીમમાં અરજી કરવા ઓર્ડર માંગ્યો
આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.ત્યારબાદ હાઈકોર્ટમાં પણ બે વખત જામીન અરજીઓ નકારાઈ ચૂકી છે.આ ત્રીજી અરજી હતી, જેને આજે કોર્ટે નકારીને દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “આ કેસમાં આરોપીની કાર્યપદ્ધતિ અત્યંત ગંભીર છે અને હાલ તપાસના તબક્કે જામીન આપવું યોગ્ય નથી.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી 35 લાખની અમેરિકન કરન્સી
આ પણ વાંચો:અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલક દર્શાવતું, લિનિયર ગાર્ડન નવા વર્ષે ખુલ્લુ મુકાશે
આ પણ વાંચો:અમદાવાદનો પૂર્વવિસ્તાર બન્યો અકસ્માત ઝોન, 48 કલાકમાં 5નાં મોત અને 5 ઇજાગ્રસ્ત

