Rajkot News : રાજકોટ (Rajkot)શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર ચોરી (Car Theft)કરતી હાઇટેક ગેંગનો (Car Theft Gang)પર્દાફાશ કર્યો છે. પોલીસે બે શાતિર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની ત્રણ કાર સહિત અંદાજે ₹11.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર જિલ્લામાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન તરીકે થઈ છે. તપાસ મુજબ મુકેશકુમાર સામે અગાઉ પણ વાહનચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સલામ સામે રાજસ્થાનમાં હત્યાનો કેસ નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ બંનેએ મળીને વાહનચોરીનો હાઇટેક રસ્તો અપનાવ્યો હતો.
માત્ર પાંચ મિનિટમાં કાર ચોરી (Car Theft)કરવાની અનોખી રીત

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મુખ્યત્વે સુઝુકી કંપનીની કારને નિશાન બનાવતા હતા. તેઓ પહેલાં કારનો કાચ તોડી અંદર પ્રવેશતા, ત્યારબાદ સ્ટેરિંગ લોકને મેગ્નેટની મદદથી અનલોક કરતા હતા. ત્યારબાદ કારના સિસ્ટમ પોર્ટમાં બ્લૂટૂથ (Bluetooth)ડિવાઇસ જોડીને મોબાઇલમાં ખાસ એપ્લિકેશન દ્વારા કારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે કનેક્ટ થતા હતા.
આ પ્રક્રિયા બાદ વાહનની સુરક્ષા વ્યવસ્થાને બાયપાસ કરીને કારને થોડા જ સમયમાં સ્ટાર્ટ કરી સ્થળ પરથી ફરાર થઈ જતા હતા.
મહત્વના સાધનો પણ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની ત્રણ કાર ઉપરાંત મેગ્નેટ, બ્લૂટૂથ ડિવાઇસ અને ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલમાં બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ ચાલી રહી છે. તપાસ દરમિયાન અન્ય કાર ચોરી (Car Theft)ના ગુનાઓ તેમજ સંભવિત સાગરિતોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
