Mahesana News: મહેસાણા જિલ્લાના લાંઘણજ (Langhanaj)માં બ્રિટિશ અને ગાયકવાડ શાસનકાળની ઐતિહાસિક ઓળખ ધરાવતું Circuit House આજે તંત્રની ઉપેક્ષાનો ભોગ બન્યું છે. એક સમયે સરકારી વહિવટનું મહત્વનું કેન્દ્ર ગણાતું આ મકાન હાલ યોગ્ય જાળવણીના અભાવે જર્જરિત બની ગયું છે. અંદાજે 3થી 4 વીઘાના વિશાળ વિસ્તારમાં આવેલી આ સરકારી મિલકતની છત, બારી અને બારણાં તૂટી ગયાં છે. સ્થાનિકો દ્વારા ઐતિહાસિક વારસાને બચાવવા તાત્કાલિક રિનોવેશન અને યોગ્ય જાળવણીની માંગ કરવામાં આવી છે.
ઐતિહાસિક ઓળખ ધરાવતું Circuit House બન્યુ જર્જરિત
લાંઘણજનું આ ઐતિહાસિક સર્કિટ હાઉસ કડી (kadi) પ્રાંતના સમયથી મહત્વનું વહિવટી કેન્દ્ર રહ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે. તે સમયે કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સરકારી કામકાજ અને મહત્વના કેસોની કાર્યવાહી માટે અહીં રોકાતા હતા. સમય જતાં વહીવટી વ્યવસ્થામાં ફેરફાર થયો અને મહેસાણા પ્રાંતની રચના બાદ સર્કિટ હાઉસનો સત્તાવાર ઉપયોગ ધીમે ધીમે બંધ થઈ ગયો. હાલમાં આ મિલકત જિલ્લા પંચાયત હસ્તક હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ યોગ્ય દેખરેખના અભાવે તેનો ઉપયોગ થતો નથી.
3થી 4 વીઘાની મિલકત જાળવણીના અભાવે બની જર્જરિત
લાંઘણજના આ સર્કિટ હાઉસનો સમગ્ર પરિસર અંદાજે 3થી 4 વીઘામાં ફેલાયેલો છે. કિંમતી સરકારી જમીન પર આવેલી આ ઐતિહાસિક મિલકતની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મકાનની છત, બારીઓ અને બારણાં સહિતના અનેક ભાગો તૂટી ગયેલા જોવા મળે છે. ઈમારત જર્જરિત થઈ જતાં તેનો યોગ્ય ઉપયોગ પણ થઈ શકતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ આ સ્થળે માત્ર એક ચોકીદાર રહે છે અને મકાનના કેટલાક ભાગોનો ઉપયોગ પશુઓ બાંધવા તથા ખેતીનો સામાન રાખવા માટે કરવામાં આવે છે.
ઐતિહાસિક વારસાને બચાવવા તાત્કાલિક રિનોવેશનની માંગ
ગામલોકો અને સ્થાનિક અગ્રણીઓએ આ ઐતિહાસિક સરકારી મિલકતને બચાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સર્કિટ હાઉસનું યોગ્ય રિનોવેશન કરવામાં આવે તો તેનો ફરીથી સરકારી અથવા જાહેર હેતુ માટે ઉપયોગ થઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઐતિહાસિક મહત્વ ધરાવતી ઈમારતને માત્ર બિનઉપયોગી રાખવાને બદલે તેનું જતન કરવું જરૂરી છે. રિનોવેશન બાદ અહીં સરકારી કચેરી (Government office), જાહેર સુવિધા અથવા અન્ય વહીવટી ઉપયોગ થઈ શકે છે. આથી સરકારી મિલકતનો બગાડ અટકવાની સાથે લાંઘણજને પણ એક મહત્વનું વહીવટી કેન્દ્ર ફરી મળી શકે છે.
આ પણ વાંચો:સરકારી જમીન પર બનેલી દરગાહ વકફ મિલકત નથી: હાઈકોર્ટ
આ પણ વાંચો:વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ
આ પણ વાંચો:વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ
