કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે કોલકાતા મહાનગરમાં દુર્ગા પૂજા ઉત્સવના અવસર પર કહ્યું કે તેઓ દેવી દુર્ગાને પ્રાર્થના કરશે કે પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચાર જલ્દી ખતમ થાય. રાજકીય મુદ્દાઓમાં સામેલ ન થવા પર ભાર મૂકતા, શાહે રાજ્યમાં રાજકીય પરિવર્તન ન થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રાખવાનું વચન આપ્યું હતું. ઉત્તર કોલકાતાના સંતોષ મિત્ર સ્ક્વેર ખાતે દુર્ગા પૂજા ઉત્સવનું ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્ય સરકાર પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે હું અહીં રાજનીતિની ચર્ચા કરવા આવ્યો નથી, પરંતુ બંગાળમાં આવતો રહીશ અને જ્યાં સુધી રાજ્યના પરિદ્રશ્યમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી મારી લડત ચાલુ રાખીશ. શાહે કહ્યું: હું શક્ય તેટલી વહેલી તકે રાજ્યમાં ભ્રષ્ટાચાર, અપરાધ અને અત્યાચારનો અંત આવે તે માટે પ્રાર્થના કરીશ. તેમણે પંડાલની ડિઝાઇન માટે પૂજા આયોજકોની પ્રશંસા કરી, જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ છે.
તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરી (2024)માં થવાનું છે અને કોલકાતાના લોકો પહેલાથી જ આ દુર્ગા પૂજા પંડાલ દ્વારા મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી કરી રહ્યા છે. આ નોંધપાત્ર પ્રયાસ માટે હું તમને બધાને અભિનંદન આપું છું. પોતાના સંબોધન દરમિયાન ગૃહમંત્રી શાહે કહ્યું કે સૌ પ્રથમ હું પશ્ચિમ બંગાળના તમામ લોકોને નવરાત્રિની બીજી તારીખે દુર્ગા પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.