કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 માર્ચથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન ગૃહમંત્રી સીમાંકન, અમરનાથ યાત્રા અને સૂચિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરશે અને માર્ગદર્શિકા આપશે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આગામી કેટલાક મહિનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં 19 માર્ચે CRPFના 83માં રાઇઝિંગ ડે સેલિબ્રેશનમાં ભાગ લેવા આવી રહેલા શાહ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને રણનીતિ નક્કી કરશે.
મળતી માહિતી મુજબ, તેઓ બપોરે જમ્મુ પહોંચશે અને ત્યારબાદ તેઓ સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં ગુપ્તચર એજન્સીઓ, સેના, પોલીસ, CRPF સહિત તમામ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે અને આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા અંગે વિચાર વિમર્શ કરશે. બે વર્ષ પછી અમરનાથ યાત્રા થવા જઈ રહી છે. કાશ્મીરમાં પણ ટાર્ગેટ કિલિંગ થઈ રહી છે. આ સાથે જ રાજ્યમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરક્ષાને લઈને પણ મંથન થવાની સંભાવના છે. આ પછી તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દિલ્હી પરત ફરશે. છેલ્લા 5 મહિનામાં અમિત શાહની જમ્મુની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ જમ્મુ-કાશ્મીરની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતે જમ્મુમાં હોળી ઉજવશે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીનો પહેલો કાર્યક્રમ 19 માર્ચે આવવાનો હતો. હવે તે 18મીએ આવી રહ્યો છે. અહીં તે CRPF ગ્રુપ સેન્ટરમાં જવાનો અને તેમના પરિવારો સાથે હોળી પણ ઉજવશે.
