Tharad News : ઉત્તર ગુજરાતના થરાદમાં ઓનરકિલિંગની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાંપુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ જ તેના ભાઇ સાથે મળીને પુત્રીની હત્યા કરી નાખી છે. તે સિવાય બંને આરોપી ભાઇઓએ પુરાવાનો નાશ કરવા દીકરીની હત્યા કર્યા બાદ રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. આ અંગે યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.બાદમાં પોલીસે યુવતીના પિતા અને કાકાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પુત્રીની હત્યા પિતાએ જ કરી હોવાનું કબૂલ્યું હતું.
થરાદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર થરાદ તાલુકાના દાંતિયા ગામના સેંધાભાઈ દરઘાભાઇ ચૌધરીની પુત્રી ચંદ્રિકા પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ દરમિયાન ચંદ્રિકા થરાદ તાલુકના વડગામડાના હરેશ હિરજીભાઇ ચૌધરી નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
આ દરમિયાન તારીખ 04/05/20025ના રોજ ચંદ્રિકા પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી પાલનપુરથી થરાદના દાંતિયા ખાતે આવી હતી. લગ્નપ્રસંગ બાદ ચંદ્રિકાએ ફરીથી પાલનપુર જવાનું કહેતા પરિવારે ભણવાની ચોખ્ખી ના પાડી હતી. જેથી ચંદ્રિકાએ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પ્રેમી હરેશને જણાવી હતી અને કહ્યું હતું કે, “મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાતની જો પરિવારજનોને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે અને મારો મોબાઇલ પણ જપ્ત કરી લેશે, જેથી તું મને અહીથી લઇ જા.”ચંદ્રિકા અને હરેશ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા
ચંદ્રિકાએ હરેશને લઇ જવાની વાત કરતાં તારીખ 04/06/2025ના રોજ હરેશ તેની પ્રેમિકા ચંદ્રિકાને લઇને અમદાવાદ ખાતે ગયો હતો અને ત્યાં બંનેએ રાજીખુશીથી મૈત્રી કરાર કર્યા હતા. ત્યારબાદ બંને ફરવા માટે મધ્યપ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા હતા.બીજી તરફ ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકમાં આપી હતી. જેથી થરાદ પોલીસ બંનેની શોધમાં હતી. આ દરમિયાન તારીખ 12/06/2025ના રોજ થરાદ પોલીસ બંનેને રાજસ્થાનના ભાલેસરથી લઇને થરાદ આવી હતી અને ચંદ્રિકાને તેના પરિવારને સોંપી હતી. જ્યારે હરેશની તેના અગાઉ નોંધાયેલા મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં ધકપકડ કરી હતી.
21/06/2025ના રોજ જામીન મંજૂર થતાં હરેશ જેલ બહાર આવ્યો હતો. બહાર આવતાની સાથે હરેશે પોતાનો મોબાઇલ ચેક કર્યો તો એ મોબાઇલ કોઇએ રીસ્ટોર કરી દીધો હતો. હરેશે તેના મોબાઇલમાં પોતાનું ઇન્ટ્રાગ્રામ આઇ.ડી. લોગઇન કરતાં તેમાં ચંદ્રિકાના અનેક કોલ્સ અને મેસેજ હતા. જેમાં ચંદ્રિકાએ હરેશને લખ્યું હતું – “પોલીસવાળાઓએ મારી સાથે દગો કર્યો છે. તું આવીને મને લઇ જા નહીં તો મારો પરિવાર મારા બળજબરીથી લગ્ન કરાવી દેશે, જો હુ લગ્નની વાત નહીં માનું તો મારા પરિવારવાળા મને મારી નાંખશે, તું મને બચાવી લે…પ્લીઝ…”ચંદ્રિકા કોર્ટમાં હાજર થાય એ પહેલાં જ પિતા-કાકાએ હત્યા કરી નાખી
હરેશે પોતાની પ્રેમિકા ચંદ્રિકાના આવા મેસેજ વાંચતા પોતાના વકીલની સલાહ લઇને તારીખ 23/06/2025ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે ચંદ્રિકાને તારીખ 27/06/2025ના રોજ કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસને જાણ કરી હતી. જોકે, ચંદ્રિકા હાઇકોર્ટમાં હાજર થાય એ પહેલાં જ તારીખ 24/6/2025ની રાત્રે ચંદ્રિકાના પિતા સેંધાભાઇ ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ ચંદ્રિકાની ક્રુર હત્યા કરી દીધી હતી.
બંને આરોપીએ સાથે મળીને ચાલાકીપૂર્વક સાંજના જમવામાં ચંદ્રિકાને ઊંઘની ગોળીઓ દુધ સાથે પીવડાવી દીધી હતી. આ બાદ બંને આરોપીઓએ ભેગા મળીને ઉંઘમાં ને ઉંઘમાં જ ચંદ્રિકાને ઘરની ઓરડીમાં લટકાવીને ફાંસી આપી દીધી હતી. આ બાદ કોઇને જાણ કર્યા વગર કે કોઇ પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર રાતોરાત અંતિમસંસ્કાર પણ કરી દીધા હતા અને ગામમાં ચંદ્રિકાએ આત્મહત્યા કરી લીધી હોવાની વાત ઉડાડી હતી.
બીજી તરફ ચંદ્રિકાના પ્રેમી હરેશને ચંદ્રિકાના મોત અંગે શંકા જતાં તેણે આ બાબતે તપાસ કરવા માટે બનાસકાંઠા એસ.પી.થી લઇને રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રાલય સુધી નિષ્પક્ષ તપાસ કરવા માટે અરજી હતી. જેથી પહેલાં થરાદ ડીવાયએસપી અને બાદમાં દાંતા ડિવિઝનના ડિવાયએસપીએ તપાસ કરતાં ચંદ્રિકાનું મોત કુદરતી કે આત્મહત્યા નહીં પણ તેના પિતા અને સગા કાકાએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવતા હરેશની ફરિયાદ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આજે 06-08-2025ના રોજ ચંદ્રિકાના પિતા અને કાકા વિરુદ્ધ FIR નોંધી હતી. બાદમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં પુત્રીની હત્યા પિતાએ જ કરી હોવાનું કબૂલ્યું હતું થરાદના નાના એવા ગામમાં આવી ક્રુર ઘટના ઘટતા સમાજ અને ગ્રામજનો આરોપીઓ વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે અને બંને આરોપીઓને દાખલારૂપ અને કડકમાં કડક સજા થાય એવી માંગ રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ
આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા
