Rajkot News/ રાજકોટની ગાયનેક હોસ્પિટલના વીડિયો વાયરલ કેવી રીતે થયા? :અન્ય રાજ્યમાંથી ચેનલ-ગ્રુપ ચલાવતા શખસે વાઇરલ કર્યાનો ઘટસ્ફોટ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સગર્ભાઓ ઉપરાંત અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વાયરલ થયેલા વીડિયોએ ખળભળાટ મચાવી દીધો છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં આ ચેનલ અને ગ્રુપ અન્ય રાજ્યમાંથી ચાલતા હોવાનું જાણવા મળતાં હાલ અન્ય રાજ્યમાં આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ આખું ઓપરેશન કઇ રીતે શરૂ થયું અને કઈ રીતે મહિલાઓના વીડિયો ત્યાં સુધી પહોંચ્યા એ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે.બીજી તરફ ઘટનાના સતત બીજા દિવસે પણ આજે રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં તબીબી સેવા રાબેતા મુજબ ચાલી રહી છે અને દર્દીઓ સારવાર કરાવવા આવી રહ્યાં છે.રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયા હતા.

આ વીડિયો મેળવનારે યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકવામાં આવી હતી અને એ ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 જેટલા વીડિયો પોસ્ટ કરાયા હતા. એટલું જ નહીં, આ વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી અને 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વીડિયો નિહાળ્યા હતા.

હોસ્પિટલનાં સંચાલિકા પ્રતીક્ષા દેસાઇએ મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ થવા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે દોઢથી બે મહિના પહેલાં હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી. એ બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા, આ સમયે અમારા કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય એવી શંકા છે. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના પાસવર્ડ ત્રણ ડિરેક્ટર પાસે જ હોય છે.

ગઇકાલે ઘટના બની પછી બીજું કાંઇ રેકોર્ડ ન થાય એ માટે એડમિન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો. અમે તપાસમાં પોલીસને પૂરો સહયોગ આપીશું. જો હોસ્પિટલની પણ કોઇ વ્યક્તિની સંડોવણી હશે તો અમે કાર્યવાહી કરીશું. છેલ્લાં 6 વર્ષથી આ સ્થળ પર અમારી હોસ્પિટલ કાર્યરત છે. બેડ ઉપર જે કેમેરો લગાડવામાં આવ્યો છે એનું ફુટેજ કોઇ જગ્યાએ ડિસ્પ્લે થતું ન હોવાનો હોસ્પિટલનો દાવો છે.રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલ ખાતે આજે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે મહિલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું,

આ પછી હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા કોંગ્રેસના આગેવાનોની રજૂઆત સાંભળી અને દુઃખદ ઘટના સીસીટીવી કેમેરા કંટ્રોલ હેક થવાના કારણે થયા હોવાનું જણાવ્યું હતું.ટેલિગ્રામમાં જે 30 વીડિયો હતા એ અલગ અલગ જગ્યાના પણ હતા, જોકે પાયલ હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા માટે ખાસ એક યુટ્યૂબ ચેનલ બનાવાઈ હતી. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદ થયાના ગણતરીની કલાકોમાં યુટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલ દૂર કરી દેવામાં આવી છે.પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાઇરલ થયા છે એ તમામ સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે, જોકે યુટ્યૂબ પર એને અપલોડ અલગ-અલગ દિવસે કરવામાં આવ્યા છે. વીડિયોની તારીખ જોવામાં આવે તો ત્રણ વીડિયો 14 ડિસેમ્બર 2024, બે વીડિયો 16 ડિસેમ્બર 2024 અને બે વીડિયો 17 ડિસેમ્બર 2024ના હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ તાત્કાલિક પાયલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તેણે હોસ્પિટલના ડિરેક્ટર સંજય દેસાઈ સહિત તમામ તબીબી સ્ટાફ ઉપરાંત એડમિન ડિપાર્ટમેન્ટનાં નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું સર્વર તેમજ ડીવીઆર ઇન્ટરનેટ સાથે કનેક્ટ હતું કે કેમ? લોગઇન આઈડી પાસવર્ડ કોની કોની પાસે રહેલા છે, ડીવીઆરમાંથી ડેટા કોપીના રાઈટ કોની કોની પાસે છે, દર્દીના એક્ઝામિન રૂમમાં સીસીટીવી કેમેરો ક્યારે અને કોના કહેવાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યો સહિતની દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકોટ પાયલ મેટરનિટી હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈએ ખુલાસો કરતાં એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે આ વીડિયોમાં જણાવ્યું હતું કે જે દર્દીઓને હાલાકી પડી છે તેમની હું દિલથી ક્ષમા માગું છું અને જે ઘટના બની એ દુઃખદ છે. હું છેલ્લાં 28 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું, દર્દીઓનું અહિત થાય, દર્દીઓનું ખરાબ થાય એવું મેં સપનામાં પણ વિચાર્યું નથી. અમારા દર્દીઓ પણ અમને સારી રીતે જાણે છે, જોકે જે સીસીટીવી વાઇરલ થયા એ કોઈ અસામાજિક તત્વએ હેક કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.

રાજકોટ અને અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે અને જે કોઈ હેકર હશે તેને તાત્કાલિક ઝડપથી ઝડપી પાડશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત હું સર્વે દર્દીઓની ક્ષમા માગું છું.આ ઘટના બહાર આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આ શર્મસાર ઘટના સામે આવ્યા બાદ તપાસના આદેશ આપતા રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઇ રહ્યા છે, કારણ કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ આરોગ્યલક્ષી કૌભાંડ કે આવી ઘટનાઓ સામે આવે પછી જ આરોગ્ય વિભાગ તપાસના આદેશ આપે છે,

પરંતુ કોઈપણ હોસ્પિટલની શરૂઆત થતા સમયે અથવા તો આ પછીના સમયમાં આરોગ્ય વિભાગ જરૂરી બાબતોની તપાસ ઇન્સ્પેક્શન શા માટે નથી કરી રહ્યું.? જો સમયાંતરે નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ એ તપાસવામાં આવે તો કદાચ આવી ઘટનાઓ બનતા અટકી શકે એમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…

આ પણ વાંચો:સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો:સાબરકાંઠામાં ધામધૂમથી ઉજવાઈ મારંગ ગોમના જયપાલ સિંહ મુંડાની જન્મજયંતિ