INSIDE STORY/ ચીન પાસેથી લોન લઈને પાકિસ્તાન કેટલી નુકસાનીમાં

ચીન દ્વારા આપવામાં આવેલી આ લોનથી પાકિસ્તાનને તાત્કાલિક રાહત મળશે, પરંતુ તેનાથી પાકિસ્તાનનો બોજ વધશે. ધ ગાર્ડિયન અનુસાર, પાકિસ્તાન હાલમાં 100 બિલિયન ડોલર એટલે કે 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા હેઠળ…

Mantavya Exclusive
Pakistan loss by Taking Loan

Pakistan loss by Taking Loan: નાદારીની આરે ઉભેલા પાકિસ્તાનને ચીને એક-બે નહીં પરંતુ 2.5 લાખ કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાવી દીધું છે. અમેરિકા અને IMFના ઇનકાર બાદ ચીને પાકિસ્તાનને 700 મિલિયન ડોલર એટલે કે લગભગ 5,800 કરોડ રૂપિયાની વધુ લોન આપી. આવો જોઈએ ચીન પાસેથી લોન લઈને પાકિસ્તાન કેટલી નુકસાનીમાં છે… મંતવ્ય વિશેષમાં…

ઉપરથી એવું લાગે છે કે ચીને તેના મિત્ર પાકિસ્તાનને બચાવી લીધું છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં ચીન આના માધ્યમથી પાકિસ્તાનને દેવાની જંજાળમાં ફસાવી રહ્યું છે.  ચીને પાકિસ્તાનને આ બેલઆઉટ એવા સમયે આપ્યું છે જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ – IMF જેવા સંગઠનોએ હાર માની લીધી છે. ચીનની આ લોનથી પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 20%નો વધારો થશે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે ટ્વિટ કરીને કહ્યું કે ચીને પાકિસ્તાનને 5.8 હજાર કરોડ રૂપિયાની લોન આપી છે.

ચીનનું 5.8 હજાર કરોડનું દેવું પાકિસ્તાનને વધુ કેવી રીતે બરબાદ કરશે?

ચીન દ્વારા આપવામાં આવેલી આ લોનથી પાકિસ્તાનને તાત્કાલિક રાહત મળશે, પરંતુ તેનાથી પાકિસ્તાનનો બોજ વધશે. ધ ગાર્ડિયન અનુસાર, પાકિસ્તાન હાલમાં 100 બિલિયન ડોલર એટલે કે 8.3 લાખ કરોડ રૂપિયાના દેવા હેઠળ છે. આમાં ચીનનો હિસ્સો 30% છે. ઇટાલિયન સંસ્થા ઓસર્વેટોરિયો ગ્લોબલિઝાઝીયોન અનુસાર, ચીને આ નવી લોન એ શરતે આપી છે કે તે લાહોર ઓરેન્જ લાઇન પ્રોજેક્ટ માટે મળેલા 55.6 મિલિયન ડોલરને નવેમ્બર 2023 સુધીમાં ચૂકવશે.

ધ ગાર્ડિયન અનુસાર, ચીનની 700 મિલિયન ડોલરની લોન પાકિસ્તાનના કુલ દેવાના 1% કરતા પણ ઓછી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે ચીન અન્ય ધિરાણકર્તાઓ કરતાં વધુ વ્યાજ વસૂલે છે. પાકિસ્તાન પર હજુ પણ વેસ્ટ એશિયન બેંકનું 8.77 અબજ ડોલરનું દેવું છે. જેમાં ચીનની બેંક ઓફ ચાઈના, આઈસીબીસી અને ચાઈના ડેવલપમેન્ટ બેંકનો સમાવેશ થાય છે. ચીની કોમર્શિયલ બેંકો અન્ય ધિરાણકર્તાઓની તુલનામાં 5.5 થી 6 ટકાના દરે લોન આપે છે. તે જ સમયે, અન્ય દેશોની બેંકો લગભગ 3 ટકાના વ્યાજ પર લોન આપે છે. મતલબ કે ચીન શાહુકારની જેમ વર્તે છે.

જ્યારે દ્વિપક્ષીય લોનની વાત આવે છે, ત્યારે ચીન ટૂંકા ગાળા માટે ઊંચા વ્યાજ દરો પણ વસૂલે છે. એક અહેવાલ અનુસાર, જર્મની, જાપાન અને ફ્રાન્સ એક ટકાથી ઓછા વ્યાજ દરે લોન આપે છે જ્યારે ચીન 3 થી 3.5 ટકાના વ્યાજે લોન આપે છે. 2021-2022માં પાકિસ્તાને ચીનને 4.5 અબજ ડોલરની લોન પર લગભગ 150 મિલિયન ડોલર એટલે કે 1.3 હજાર કરોડ રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડ્યા હતા. તે જ સમયે, 2019-2020 માં, પાકિસ્તાને 3 બિલિયન ડોલરની લોન પર વ્યાજ તરીકે 120 મિલિયન ડોલર એટલે કે 995 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આ સિવાય ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે CPEC માટે બેઈજિંગે પાકિસ્તાનને મોટી રકમની લોન આપી છે.

શું ચીન પાકિસ્તાન જેવા દેશો પાસેથી લોનના નાણાં વસૂલવામાં ખૂબ કડક છે?

જ્યારે પાકિસ્તાન પાસેથી પૈસા કાઢવાની વાત આવે છે ત્યારે ચીન ચાબુક મારવામાં પણ પાછળ રહેતું નથી, એટલે કે ખૂબ જ કડક વલણ અપનાવે છે. આ વાત આપણે પાકિસ્તાનના ઉર્જા ક્ષેત્રના ઉદાહરણથી સમજી શકીએ છીએ. અહીં ચીનના રોકાણકારને નવું રોકાણ લાવવા માટે હાલના પ્રોજેક્ટના સ્પોન્સર સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ચીનના કેટલાક પ્રોજેક્ટને તેમની લોન માટે વીમો નથી મળી રહ્યો. તેનું કારણ એવું કહેવાય છે કે પાકિસ્તાનના એનર્જી સેક્ટર પર 14 અબજ ડોલર એટલે કે 1.2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

પાકિસ્તાને ચીનના વીજ ઉત્પાદકોને લગભગ 1.3 અબજ ડોલર એટલે કે 11 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. બીજી તરફ, પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 280 મિલિયન ડોલર એટલે કે 2.3 હજાર કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં સફળ રહ્યું છે. દાસુ ડેમ પ્રોજેક્ટના મામલે પણ ચીને પાકિસ્તાન સાથે કડક વર્તન કર્યું છે. ગયા વર્ષે ચીને દાસુ ડેમ આતંકી હુમલાના 36 પીડિત પરિવારોને વળતર તરીકે 38 મિલિયન ડોલર એટલે કે 315 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ચીને એવી શરત મૂકી હતી કે વળતર મળ્યા બાદ જ પ્રોજેક્ટ પર કામ શરૂ થશે. આ પછી ચીનને ખુશ કરવા માટે પાકિસ્તાને વળતર તરીકે 11.6 મિલિયન એટલે કે 96 કરોડ રૂપિયા આપવાનું સ્વીકાર્યું.

શું પાકિસ્તાને શ્રીલંકાના રસ્તે ચાલવાનું શરૂ કર્યું છે?

કેટલાક નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાન હવે શ્રીલંકાના રસ્તે છે. Osservatorio Globalizzazione અનુસાર, ઇસ્લામાબાદ તેની નબળી આર્થિક નીતિઓ અને મોટા દેવાને કારણે આગામી શ્રીલંકા બની શકે છે. એટલાન્ટિક કાઉન્સિલના સાઉથ એશિયા સેન્ટર ખાતે પાકિસ્તાન ઈનિશિએટીવના ડાયરેક્ટર ઉઝૈર યુનુસનું કહેવું છે કે ચીન પાસેથી વધુ લોન લેવાથી પાકિસ્તાન માટે વધુ મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુનુસ કહે છે કે અર્થવ્યવસ્થાના સુધારા અને પુનઃરચના વિના, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવેલી લોન પાકિસ્તાનની હાલતને વધુ ખરાબ કરશે. પછી ભલે તે ચીનમાંથી લેવામાં આવે કે અન્ય દેશમાંથી. ધારો કે હવેથી 4-5 વર્ષ પછી પાકિસ્તાનને ફરીથી IMF બેલઆઉટની જરૂર છે તો તે શું વધારે જોખમી હશે?

યુનુસનું કહેવું છે કે પાકિસ્તાન જે રીતે લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં શ્રીલંકાની જેમ તેના દેવાળિયા થવાની વાતો ઘણી હદ સુધી સાચી છે. જો કે, મને લાગે છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેના આર્થિક જોખમોને દૂર નહીં કરે ત્યાં સુધી ચીન કોઈ મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધશે નહીં. કરાચી સ્થિત બિઝનેસ જર્નાલિસ્ટ અરીબા શાહિદનું કહેવું છે કે શ્રીલંકા દેવાળિયું થઈ ગયું કારણ કે તે પાકિસ્તાનની જેમ IMF પ્રોગ્રામનો ભાગ નહોતું. જો કે, બંને દેશો વચ્ચે એક સમાનતા છે, તે છે લોન લેવાની ખરાબ રીત.

ચીનની દેવાની કૂટનીતિએ શ્રીલંકાને કેવી રીતે નુકસાન પહોંચાડ્યું?

ધ હોંગકોંગ પોસ્ટ અનુસાર, ચીને 150 થી વધુ દેશોમાં વ્યાપક રોકાણ કર્યું છે, જેમાંથી મોટાભાગના વિકાસશીલ દેશો છે. આ રીતે ચીન પોતાને એક સારા મિત્ર તરીકે રજૂ કરે છે. જો કે, આ પ્રકારનું રોકાણ ધીમે ધીમે ગરીબ દેશોની દેવાની ચૂકવણી કરવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. એટલે કે, તે તેમને નાદારી સ્થિતિમાં ઉભા કરે છે. બદલામાં, ચીન તે દેશોને વ્યૂહાત્મક છૂટ આપવા દબાણ કરે છે, જેમ કે કોઈ મહત્વપૂર્ણ સ્થળ અથવા બીજુ કંઈક.

એક વલણ જોવામાં આવ્યું છે કે ચીન કેવી રીતે નીચી જીડીપી ધરાવતા દેશોને ડેટ ટ્રેપ ડિપ્લોમસી દ્વારા ફસાવે છે. અહીં ડેટ ટ્રેપ ડિપ્લોમસીનો અર્થ એ છે કે ચીન પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના નામે આવા દેશોને ઘણી બધી લોન આપે છે. પાછળથી એવી સ્થિતિ સર્જાય છે કે આવા દેશો લોનનું વ્યાજ ચૂકવવાની સ્થિતિમાં નથી રહેતા અને ચીનના હાથમાં રમવાનું શરૂ કરી દે છે. એટલે કે તે દેશની રાજનીતિની સાથે સાથે મહત્વની નીતિઓમાં પણ હસ્તક્ષેપ કરવા લાગે છે. તેનું તાજેતરનું ઉદાહરણ શ્રીલંકામાં જોવા મળ્યું. શ્રીલંકા ચીનના 6.8 બિલિયન ડોલરના ઋણમાં ડૂબી ગયું છે,. ચીને વર્ષ 2000 અને 2020 વચ્ચે શ્રીલંકાને લગભગ 12 અબજ ડોલરની લોન આપી હતી. આનો મોટો ભાગ હમ્બનટોટા બંદર માટે હતો.

આ બંદર તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના શહેરમાં છે. તેનું નિર્માણ વર્ષ 2008માં શરૂ થયું હતું, પરંતુ તેમાં ખર્ચમાં વધારો થતાં શ્રીલંકા દેવાના બોજમાં ડૂબી ગયું હતું. વર્ષ 2017 માં, શ્રીલંકાએ લોન ચૂકવવામાં સક્ષમ ન થયા પછી દક્ષિણમાં આવેલા હમ્બનટોટા બંદરને ચીનને 99 વર્ષના લીઝ પર સોંપી દીધુ. વિદેશી દેવું ન ચૂકવવાને કારણે ગયા વર્ષે જ શ્રીલંકા નાદાર થઈ ગયું હતું. ચીને શ્રીલંકાને દેવું ચૂકવવા માટે 2 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો, પરંતુ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. વળી, હવે કોઈ નવી લોન આપવા તૈયાર નથી.

એડડેટા રિસર્ચ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રેડલી પાર્ક્સે જણાવ્યું હતું કે વર્ષોથી દેશો ચીનને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદાર ફાઇનાન્સર તરીકે માનતા હતા. જો કે હવે ચીનનો એક અલગ ચહેરો દુનિયાની સામે આવી રહ્યો છે. તે વિશ્વનો સૌથી મોટો દેવું વસૂલ કરનાર દેશ છે. તો ભારતે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે લાઈન ઓફ ક્રેડિટ આપી છે. આ સાથે જ લગભગ 4 બિલિયન ડોલરની લોન પણ આપી. લાઈન ઓફ ક્રેડિટ ધિરાણની એક પૂર્વ-નિર્ધારિત ઉધાર મર્યાદા છે અને ઉધાર લેનાર પૂર્વ-નિર્ધારિત મહત્તમ ઉધાર મર્યાદા સુધી પહોંચે ત્યાં સુધી તેની જરૂરિયાત મુજબ નાણાં ઉછીના લઈ શકે છે.

શું ભારતને પણ ચીનની ડેટ ટ્રેપ ડિપ્લોમસીથી જોખમ છે?

શ્રીલંકાનું હમ્બનટોટા બંદર એશિયા અને યુરોપ વચ્ચેના મુખ્ય દરિયાઈ વેપાર માર્ગની નજીક આવેલું છે. જે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને અમેરિકાએ હંમેશા ચિંતા વ્યક્ત કરી છે કે 1.5 બિલિયન ડોલરનું બંદર ચીનના નૌકાદળ માટે બેઝ બની શકે છે. ભારતના સુરક્ષા નિષ્ણાતોએ તેની આર્થિક નફાકારકતા પર ઘણી વખત સવાલ ઉઠાવ્યા છે. એ પણ કહ્યું કે તે ચીનની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચના સાથે બરાબર બંધબેસે છે. આ અંતર્ગત ચીન હિંદ મહાસાગરના માધ્યમથી જમીન અને સમુદ્ર મારફતે ભારતને ઘેરી શકે છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકાને આપવામાં આવી રહેલી લોનના બદલામાં ચીન દ્વારા બળજબરીથી લાભ લેવાની સંભાવનાને લઈને અમેરિકા ખૂબ જ ચિંતિત છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના સહાયક રાજ્ય સચિવ ડોનાલ્ડ લુએ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ભારત મુલાકાત પહેલા આ ચેતવણી આપી હતી. ડોનાલ્ડ લુએ કહ્યું છે કે અમે એ વાતને લઈને ખૂબ જ ચિંતિત છીએ કે ભારતના પાડોશી દેશોને આપવામાં આવી રહેલી ચીની લોનનો દુરુપયોગ થઈ શકે છે.

લુએ કહ્યું કે અમેરિકા આ ​​ક્ષેત્રના દેશોને કહ્યું છે કે, તેઓ પોતાના નિર્ણયો જાતે જ લે અને કોઈપણ બહારના વ્યક્તિના દબાણ ન આવે. લુએ કહ્યું કે અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ, આ ક્ષેત્રના દેશો સાથે વાત કરી રહ્યા છીએ,. ચીને આ નિર્ણયોમાં દખલગીરી ન કરવી જોઈએ.

પાકિસ્તાનને આ વખતે આર્થિક કટોકટીમાંથી કોઈ નહીં બચાવી શકે?

પાકિસ્તાનની ઉપર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે દેશ કદાચ 1971ના આર્થિક સંકટથી પણ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને તે ચોમેરથી ઘેરાઈ રહ્યો છે. 1971માં જ પાકિસ્તાનથી અલગ દેશ બનીને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો હતો. ગત અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તથા પાકિસ્તાનના સેનાધ્યક્ષ સૈયદ આસિમ મુનીર યુએઈ ગયા હતા અને બંનેએ આર્થિક મદદ માટે રજૂઆત કરી હતી.

શાહબાઝે જણાવ્યું હતું કે યુનાઇટેડ આરબ અમિરાતે બે અબજ ડૉલરનું દેવું ચૂકવવાની મુદ્દત વધારવા તથા વધુ એક અબજ ડૉલરની વધારાની લોન આપવાનો વાયદો કર્યો છે. પાકિસ્તાન દેવાળિયું જાહેર ન થાય તે માટે શાહબાઝ શરીફની સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. ગત વર્ષે શાહબાઝ શરીફે પદભાર સંભાળ્યો ત્યારે મિફ્તાહ ઇસ્માઇલને નાણામંત્રી બનાવ્યા હતા. હાલમાં ઇશાક ડાર પાકિસ્તાનના નાણામંત્રી છે, જેઓને શાહબાઝના મોટા ભાઈ નવાઝના વફાદાર માનવામાં આવે છે. મિફ્તાહ ઇસ્માઇલનું કહેવું છે કે પાકિસ્તાનની ઉપર 100 અબજ ડૉલરનું વિદેશી દેવું છે. જેમાંથી 21 અબજ ડૉલરનું દેવું ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવાનું થાય છે, જ્યારે આગામી ત્રણ વર્ષ દરમિયાન 70 અબજ ડૉલરનું દેવું ચૂકવવાનું છે.

પાકિસ્તાન પાસે માંડ ચાર અબજ 30 કરોડનું વિદેશી નાણાભંડોળ છે. જે તાજેતરનાં વર્ષોમાં સૌથી ન્યૂનતમ સ્તર છે. આ રકમની મદદથી પાકિસ્તાન એક મહિનાની આયાતનું પણ ચુકવણું કરી શકે તેમ  નથી. પાકિસ્તાન હાલ લોન લઈને ઘી પી રહ્યું છે. પરંતુ આ લોનથી ક્યાંય સુધી કામ ચાલશે. પાકિસ્તાન પાસે એવા કોઈ પણ પ્રોજેક્ટ નથી કે જેનાથી તેને વિદેશી હુંડિયામણમાં કમાણી થાય. હવે વિદેશી હુંડિયામણમાં કમાણી કરવાનો એક જ રસ્તો રહ્યો છે કે, તે પોતાની જમીનો અને સમુદ્ર કાંઠા ચીન જેવા દેશોને વેચી દે. તો જ વિદેશી હુંડિયામણ મળશે. પાકિસ્તાને એક પછી એક બધી જ સરકારી મિલકતો વેચવા કાઢી છે. આવી રીતે તો પાકિસ્તાન ક્યારેય દેવું ઉતારી નહીં શકે અને ખર્ચ માટે નવું દેવું લેવું પડશે.

આ પણ વાંચો: Prayagraj/સખત પોલીસ કાર્યવાહી, એન્કાઉન્ટરમાં માર્યો ગયો અતીકના નજીકનો માણસ શૂટર અરબાઝ