FASTag Cyber Fraud: હાઈવે પર ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોથી બચવા માટે હવે દરેક વાહનચાલક માટે FASTag ફરજિયાત થઈ ગયું છે. પણ હવે સાયબર ઠગોએ આ સુવિધાને પણ લૂંટનું સાધન બનાવી દીધું છે. શું તમને પણ કોઈ એવો મેસેજ આવ્યો છે કે “FASTag રિચાર્જ પર ભારે ડિસ્કાઉન્ટ” અથવા “સસ્તામાં એન્યુઅલ પાસ મેળવો”? જો હા, તો ભૂલથી પણ તેના પર ક્લિક ન કરતા. આ એક મોટું કૌભાંડ (Scam) છે, જે તમારા બેંક ખાતા પર તરાપ મારી શકે છે.
કેવી રીતે ફસાવે છે ઠગ? (FASTag)
સરકારની ચેતવણી (CyberDost) મુજબ, ઠગ લોકો લોકોની માનસિકતાનો ફાયદો ઉઠાવે છે.
નકલી વેબસાઈટ: તેઓ NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) અથવા મોટી બેંકો જેવી જ દેખાતી નકલી વેબસાઈટ બનાવે છે.
લોભામણી ઓફર: તમને SMS કે વોટ્સએપ પર લિંક મોકલવામાં આવે છે જેમાં દાવો કરાય છે કે તમે અહીંથી રિચાર્જ કરશો તો 50% કેશબેક મળશે અથવા સસ્તા ભાવે વાર્ષિક પાસ (Annual Pass) મળી જશે.
ડેટા ચોરી: જેવી તમે લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરો છો, તમારા પૈસા કપાઈ જાય છે પણ રિચાર્જ થતું નથી. ઉપરથી તમારા કાર્ડની વિગતો પણ ચોરાઈ જાય છે.
બચવા માટે શું કરવું? (Safety Tips)
આ છેતરપિંડીથી બચવા માટે આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખો:
સત્તાવાર એપનો જ ઉપયોગ કરો: રિચાર્જ કરવા માટે હંમેશા તમારી બેંકની ઓફિશિયલ એપ, NETC FASTag એપ અથવા PhonePe, Google Pay અને Paytm જેવી વિશ્વસનીય UPI એપ્સનો જ ઉપયોગ કરો.
લિંક પર ક્લિક ન કરો: સોશિયલ મીડિયા કે મેસેજમાં આવતી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને રિચાર્જ ન કરો. યાદ રાખો, NHAI ક્યારેય ડિસ્કાઉન્ટની આવી લિંક મોકલતું નથી.
URL ચેક કરો: સરકારી વેબસાઈટના અંતે હંમેશા ‘.gov.in‘ હોય છે. જો કોઈ વેબસાઈટના એડ્રેસમાં વિચિત્ર સ્પેલિંગ કે ‘.xyz’ જેવું હોય તો ચેતી જજો.
હેલ્પલાઈન: જો તમારી સાથે છેતરપિંડી (Froud) થાય, તો તરત જ 1930 પર કોલ કરો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
થોડા રૂપિયા બચાવવાની લાલચમાં લાખોનું નુકસાન થઈ શકે છે. સાયબર ક્રાઈમથી બચવાનો એક જ રસ્તો છે – જાગૃતતા.
આ પણ વાંચો: સાવધાન! 100% ચાર્જિંગ સ્માર્ટફોન માટે છે ‘ઝેર’ સમાન, જાણો બેટરી બચાવવાનો સાચો રસ્તો
આ પણ વાંચો: હેકર્સની નજર તમારા ‘બીમાર’ ફોન પર! બેંક ખાતું ખાલી થાય તે પહેલા ચેક કરી લો આ 5 સેટિંગ્સ, નહીંતર પસ્તાશો
આ પણ વાંચો: સિમ કાર્ડનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે? 99% લોકો નથી જાણતા આ સાચું કારણ, ડિઝાઈન પાછળ છે મોટું લોજિક


