Ahmedabad News: અમદાવાદમાં પતિએ પત્નીનું ગળુ કાપી હત્યા કરી છે. લગ્નના ત્રણ મહિનામાં જ પત્નીની કરપીણ હત્યા કરવામાં આવી છે. પતિએ પત્નીનું ગળુ કાપીને મોતને ઘાટ ઉતારી છે. સરખેજમાં પતિએ ધાબા પર સૂતી પત્નીની હત્યા કરી હતી. પત્નીની હત્યાના કેસમાં પતિ મેહુલ મુનિયાની ધરપકડ કરવામાં આવી છે. પત્ની જ્યારે રાત્રે ગાઢ નિંદ્રામાં હતી ત્યારે પતિએ તેને છરીના ઘા મારીને પતાવી દીધી હતી. આ અધમ કૃત્યા કર્યા પછી પતિ ધાબા પરથી કૂદીને નાસી છૂટ્યો હતો.
આ બનાવના પગલે આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવનો ઘટનાક્રમ એવો છે કે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સુરવન ગામના વતની પપ્પુ પારગીની દીકરી રાસિતાના લગ્ન મેહુલ મુનિયા સાથે થયા હતા. રોજગારીની શોધમાં નવદંપતી મેહુલના પિતા લાલચંદ સાથે અમદાવાદ રહેવા આવ્યું હતું. જ્યારે પપ્પુ પારગી વતનમાં હતા ત્યારે વેવાઈ લાલચંદે ફોન કરીને સમાચાર આપ્યા હતા કે તેમની પુત્રી રાસિતાને ગળામાં છરી વાગી છે અને તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ સમાચાર મળતાં જ રાસિતાનો પરિવાર અમદાવાદ તાત્કાલિક દોડી આવ્યો હતો.
લાલચંદ સહિત ત્રણેય જણા સરખેજમાં એક મકાનના ધાબા પર સૂતા હતા. વહેલી સવારે રાસિતાને ચીસો સાંભળીને લાલચંદ જાગી ગયા. તેમણે જાગીને જોયું તો રાસીતા લોહીલુહાણ હાલતમાં તરફડી રહી હતી. જ્યારે તેમનો પુત્ર મેહુલ કૂદીને ધાબા પરથી ભાગી રહ્યો હતો. ઇજાગ્રસ્ત રાસિતાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાથી તેનું મોત થયું હતું. પોલીસે મૃતકના પિતા પપ્પુ પારગીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર હત્યારા પતિ મેહુલને ઝડપી આગળની તપાસ શરૂ કરી છે.
આ બનાવ તે વાતનો પુરાવો છે કે વ્યક્તિગત સંબંધોમાં લોકો કેટલા ઝડપથી પોતાનું સંતુલન ગુમાવી દે છે કે પોતાની એકદમ અંગત વ્યક્તિની હત્યા કરવા પર ઉતરી આવે છે. હવે જે સંબંધનું આખા જીવનમાં જીવની જેમ જતન કરવાનું હોય તેના બદલે તે વ્યક્તિ અને તેની સાથે જોડાયેલા કાયમ માટેના સંબંધને ખતમ કરીને ફક્ત કાયદાની જ નહી સમાજની નજરમાં પણ ગુનેગાર બને છે.
આ પણ વાંચો: અમદાવાદમાં જમવામાં કીડી નીકળ્યાની ફરિયાદ બાદ યુવકની હત્યા, રૂમ પાર્ટનરોએ હાથ-પગ બાંધી મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો: અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથનો વિવાદ: ઝહીર શેખના મોત પહેલાંનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: અમદાવાદ ચાંદખેડા કાંડ: બે બાળકીના શંકાસ્પદ મોતમાં લાઈ ડિટેકશન ટેસ્ટથી ઉકેલાશે રહસ્ય?
