Ahmedabad News : અમદાવાદની ખાસ NIA કોર્ટે 500 કિલોગ્રામ હેરોઈન દાણચોરીના કેસમાં આરોપી કાશ્મીરી પુરુષની કામચલાઉ જામીન અરજી ફગાવી દીધી છે. આરોપીએ તેની પત્નીને છૂટાછેડા (Divorce) ન આપવા માટે મનાવવા 30 દિવસની મુક્તિ માગી હતી.
આરોપી મંજૂર અહેમદ મીરની ધરપકડ ઓક્ટોબર 2018માં ગુજરાત ATS દ્વારા કરવામાં આવી હતી. તપાસ મુજબ, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઈન દાણચોરી કરીને ભારત લાવવામાં આવ્યું હતું અને ભારતીય જળસીમામાં આ માલ ભારતીય જહાજ ‘નાગિની મુસ્તફા’ને સોંપવામાં આવ્યો હતો. કુલ 500 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

પત્નીએ બદલો લેવા Divorce ની અરજી કરી છે
મીરે પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તેને આ દાણચોરી સાથે કોઈ લેવાદેવા નથી અને તે ફક્ત ફળ, શાકભાજી, કાર્પેટ અને શાલનો વેપાર કરે છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેની ધરપકડ બાદ તે પત્નીને ટેકો આપી શક્યો ન હોવાથી, તેની પત્નીએ બદલો લેવા છૂટાછેડા (Divorce) ની અરજી કરી છે અને તે તેને પાછી ખેંચવા માટે સમજાવવા માંગે છે.
NIAએ અરજીનો કડક વિરોધ કરતા જણાવ્યું હતું કે મીરે અગાઉની જામીન અરજીમાં પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો, જે Already કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ નવી અરજી પર કોર્ટના આદેશથી જમ્મુ-કાશ્મીરના બીરવાહ પોલીસ સ્ટેશન તરફથી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, જેમાં પુષ્ટિ થઈ હતી કે મીરની ધરપકડ બાદ તેની પત્ની સાસરિયું ઘર છોડીને ગઈ હતી.
NIAએ કોર્ટને જણાવ્યું હતું કે મીર વિડીયો કોન્ફરન્સ મારફતે અથવા તેની માતા, મામા કે બહેનો દ્વારા છૂટાછેડા (Divorce) ની અરજીનો વિરોધ કરી શકે છે. માત્ર પત્નીને મનાવવા માટે કામચલાઉ જામીન આપવાનો કોઈ આધાર નથી.
તપાસ એજન્સીએ NDPS એક્ટની કલમ 37 હેઠળની કડક જોગવાઈઓ પર ભાર મૂક્યો હતો. તમામ દલીલો સાંભળ્યા બાદ, કોર્ટએ જણાવ્યું હતું કે કલમ 37 હેઠળ દર્શાવેલી બે આવશ્યક શરતો પૂર્ણ થતી નથી અને આવા ગંભીર ગુનામાં આરોપીને એક દિવસ માટે પણ કામચલાઉ જામીન આપી શકાય નહીં. પરિણામે, અરજી ફગાવી દેવામાં આવી.
