ગ્રીસના દક્ષિણમાં એક ઓપરેશન દરમિયાન મંગળવારે વાયુસેનાનું અગ્નિશામક વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટ માર્યા ગયા હતા. દેશભરમાં ફેલાયેલી જંગલની આગને ઓલવવા માટે તંત્ર ઘણા દિવસોથી સંઘર્ષ કરી રહ્યું છે.સરકારી ERT ટીવી વિડિયોમાં CL-215 પ્લેન એવિયા ટાપુ પર પાણીનો છંટકાવ કરતું દર્શાવવામાં આવ્યું હતું. વિમાનનો એક ભાગ ઝાડની ડાળીમાં ફસાઈ ગયો. થોડી જ વારમાં તે ક્રેશ થઈ ગયો. વાયુસેનાએ જણાવ્યું કે આ અકસ્માતમાં બંને પાઈલટના મોત થયા છે. વિમાનમાં ‘ઇજેક્શન સિસ્ટમ’ ન હતી. મંગળવારે દેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધવાની સાથે ગ્રીસ તીવ્ર હીટવેવની પકડમાં છે.
તેજ પવનને કારણે દેશના ઘણા વિસ્તારોમાં જંગલમાં લાગેલી આગને ઓલવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા અન્ય ભૂમધ્ય દેશો પણ ઉનાળા દરમિયાન જંગલી આગથી પ્રભાવિત થયા છે. અલ્જેરિયામાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા છે.ગ્રીક ફાયર સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારની સૌથી વધુ ભીષણ આગ દક્ષિણપૂર્વીય ટાપુ રોડ્સ અને ઉત્તરપશ્ચિમ ટાપુ કોર્ફુમાં લાગી હતી. બંને લોકપ્રિય પ્રવાસન સ્થળો છે. આગમાંથી બહાર કાઢવાની કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
