Jamnagar News: જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગૃહઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂપિયા નહીં ચૂકવી એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં મુંબઈના મહાજન વેપારી મિલકતો વગેરે સંભાળતા અને કારખાનાનું એકમ ચલાવતા મેહુલભાઈ વીરચંદ શાહ નામના મહાજન વેપારીએ જામનગરના શક્તિ ગૃહઉદ્યોગના સંચાલક મુકેશભાઈ મંગળજીભાઈ મકવાણા તેમજ તેમના ભાઈ શાંતિ લાલ મંગળજીભાઈ મકવાણા સામે રૂપિયા એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ મુંબઈના મહાજન વેપારી રાજનભાઈ ગડા કે જેઓના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં બે પ્લોટ આવેલા છે, અને તેમાં શેડ ઊભા કર્યા બાદ તેનું સંચાલન ફરિયાદી મેહુલભાઈ શાહ ગણાં વર્ષોથી કરી રહ્યા છે. બંને પ્લોટમાં ઊભા કરેલા શેડ એક કરોડ 65 લાખમાં બંને ભાઈઓએ આજથી બે વર્ષ પહેલાં સોદો કરીને ને બાના પેટે રૂ.51,000ની રકમ આપી હતી, જયારે કેટલીક રકમ ચેક મારફતે પણ ચૂકવી હતી, અને તેના કાગળો તૈયાર કરાવ્યા હતા. જ્યારે બાકીની રૂ.1.40 કરોડ ની રકમ પોતે લોન મેળવીને ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું.
આ બાબતને બે વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં બાકીની 1 કરોડ 40 લાખની રકમ ચૂકવી ન હતી, આટલું જ નહીં મૂળ માલિક રાજનભાઈ ગડાની હાજરી વગર નોટરી કરાર વગેરે કરાવી લીધા હતા અને બાકીના નાણા નહીં ચૂકવતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. આ ફરિયાદ ના આધારે સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે આઇપીસી કલમ 406 અને 420 મુજબ બંને ભાઈઓ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
-સાગર સંઘાણી
આ પણ વાંચો: ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં જામનગર સાયબર ક્રાઈમ અને એસ.ઓ.જી.ને મળી મોટી સફળતા
આ પણ વાંચો: જામનગરમાં ટુર પેકેજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી
આ પણ વાંચો: જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનેદારોએ અમદાવાદના વેપારી સાથે કરી 74 લાખની ઠગાઈ
